Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નખત્રાણામાં જળબંબાકાર, રસ્તાઓ બેટમાં ફેરવાયા
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના અલગ અલગ તાલુકામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે.

ભૂજ : હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બપોર બાદ કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના અલગ- અલગ તાલુકાઓમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છ જિલ્લાના માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. સલાયા અને નાની ભાડાઈ ગામમાં વરસાદ વરસ્યો છે. મુન્દ્રાના ખાખર, ભુજપુર, ગુંદાળા, દેશલપર,કંઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા હતા. નખત્રાણામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.
નખત્રાણામાં મેઘરાજા મન મુકીને વરસ્યા
આ તરફ રાપર, અબડાસા અને નખત્રાણામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. રાપરના રામવાવ, ભીમાસર, આડેસર, વાગડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અબડાસાના બાલાપર, રાયધણજર, ચિયાસર, અરજણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા હતા. નખત્રાણાના ઉખેડા, જાડાય, જીયાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
કચ્છ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. નખત્રાણા, રાપર, માંડવી, અબડાસા, મુંદ્રામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી નખત્રાણા પાણી પાણી થયું છે. ભુજ-નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો હતો. સુખપર રોહા ગામની બજારમાં નદીની માફક પાણી વહેતા થયા હતા.
વેલડી નદી બે કાંઠે થઈ
કચ્છ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસામાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે થઈ છે. અબડાસા તાલુકાની વેલડી નદી બે કાંઠે થઈ છે. નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, સુરતમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 199 તાલુકામાં વરસ્યો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાણકારી અનુસાર, 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં બેથી સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 77 તાલુકામાં એકથી પોણા છ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઈંચ વરસાદ વરસ્યો હતો.





















