Bharuch Rain: નેત્રંગમાં ધોધમાર વરસાદ, 5 ઈંચ વરસાદથી નદી નાળા છલકાયા
ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ભરુચના નેત્રંગમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નેત્રંગમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તો પાણી પાણી થયા છે.

ભરુચ: ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ભરુચના નેત્રંગમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નેત્રંગમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તો પાણી પાણી થયા છે. ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ભરૂચ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.

ઉમરપાડામાં જળબંબાકાર
સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.
લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તુટી ગયો છે. વરસેલા ભારે વરસાદને લઇને તંત્ર દોડતું થયું છે. ચિતલદા ગામેથી વહેતી વીરા નદી 2 કાંઠે થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત નદીમાં ભરપૂર પાણી આવ્યું છે. ચિતલદા ગામથી અન્ય ગામના જ ફળિયાને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે. નદીમાં પાણીની આવક થતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. ઉમરપાડાથી ઉમરગોટ જતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. ખાડી છલકાતા પાણી ફરી વળ્યાં હતા. ઉમરપાડાથી ઉમરગોટ ગામનો સંપર્ક કપાયો છે.
નર્મદા જિલ્લામાં વરસાદ
નર્મદાના લાછરસમાં પાંચ ઇંચ વરસાદ વરસતા કેકલાક વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઇ ગયા છે. અહીં અનરાધાર વરસાદે મુશ્કેલી વધારી છે. લાછરસ ગામ બેટમાં ફેરવાતા દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. સસ્તા અનાજની દુકાનમાં પાણી ફરી વળતાં અનાજનો જથ્થો પલળતા વ્યાપક નુકસાનીનો અંદાજ છે.
નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં મૂશળધાર વરસાદના પગલે કમર સુધીના પાણી ભરાયા છે.કમર સુધીના પાણી ભરાતા ગામમાં પ્રવેશવાનો રસ્તો બંધ થઇ ગયો છે. પ્રશાસનની બેદરકારીથી પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ લગાવ્યો છે. ગામમાંથી પાણીના ડ્રેનેજની વ્યવસ્થા યોગ્ય ન હોવાથી ચોમાસામાં આ સ્થિતિ ઉપસ્થિત થતી હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યાં છે.





















