અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જાણો ક્યાં પડ્યો વરસાદ
અમરેલી જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. અમરેલી શહેર, બાબરા પંથક અને જાફરાબાદમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. બાબરા પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. અમરેલી શહેર, બાબરા પંથક અને જાફરાબાદમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. બાબરા પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ સાથે જ બાબરા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બાબરાના વલારડી, ચમારડી, વાવડીમાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ અમરેલી શહેરમાં વરસાદ નોંધાયો. શહેરના રાજકમલ ચોક, હરીરોડ, મેઈન બજાર વિસ્તાર, ચિતલ રોડ, લાઠી રોડ, એસટી ડિવિઝન સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. જાફરાબાદના ટીંબી ગામમાં વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 52.40 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી તાલુકામાં 49.36 ટકા, બાબરામાં 54.88 ટકા, બગસરામાં 56.55 ટકા,ધારીમાં 52.12 ટકા, જાફરાબાદમાં 27.74 ટકા, ખાંભામાં 68.48 ટકા, લાઠીમાં 52.63 ટકા, લીલીયામાં 38,69 ટકા, રાજુલામાં 38.69 ટકા, સાવરકુંડલામાં 59.44 ટકા, વાડિયામાં 75.71 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસશે. તેમાં પણ કચ્છ, બનસકાંઠા અને સાબરકાંઠામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ પાટણ, મહેસાણા,ગાંધીનગર, અરવલ્લી,સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. સૌરાષ્ટ્રમાં જામનગર,રાજકોટ,બોટાદમાં ભારે વરસાદ વરસશે.
અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ વરસાદની આગાહી છે. જો કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે. રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે. બિલિયાળા, ભુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોના સીમ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.