Mahisagar Rain: મહીસાગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન, 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ વરસી જતા લુણાવાડા જળબંબાકાર થઈ ગયું હતું.
મહીસાગર: મહીસાગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. લુણાવાડામાં વહેલી સવારથી બપોરે ચાર વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ વરસી જતા લુણાવાડા જળબંબાકાર થઈ ગયું હતું. બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા. ગોઠણસમા પાણી ભરાઈ જતા વાહનો બંધ થઈ ગયા હતા.
માંડવી બજાર, હાટડિયા બજાર, વરધરી રોડ, હુસૈની ચોકમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. લુણાવાડામાં હાલોલ શામળાજી હાઈવેની એક બાજુના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. મહીસાગર જિલ્લાના ખાનપુરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ખાનપુર શહેર ઉપરાંત તાલુકાના ગામો જેવા કે, નરોડા, બાબલિયા, લિંબડિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વિરપુર તાલુકામાં પણ વરસ્યો પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.
મુશળધાર વરસાદના કારણે વિરપુરમાં વહેતી લાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. વિરપુરથી લીંબડિયા તરફ જવાના માર્ગ પર પુલથી એક ફૂટ નીચેથી નદીનું પાણી વહી રહ્યું છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી જ અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. મોડાસા સહિત ધનસુરા, બાયડ, માલપુર, ભીલોડા અને મેઘરજમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બપોરના 4 વાગ્યા સુધીમાં ધનસુરામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. મોડાસામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. બાયડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. મેઘરજમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત જળબંબાકાર થશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન વિભાગના મતે આજે મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે.
12 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જુલાઈના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
Join Our Official Telegram Channel: