ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. મોડી રાત્રે જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ, મેઘરજમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
Rains in North Gujarat: બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદે ફરી એક વખત પ્રશાસનની પોલ ખોલી છે. મોડી રાત્રે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે પાલનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો અમદાવાદ-આબુ હાઈવે પર ચાર ફૂટ સુધીના પાણી ભરાતા પાંચ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ થયો. ટ્રાફિકજામના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા હતા.
અરવલ્લીમાં વરસાદ
તો અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. મોડી રાત્રે જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ, મેઘરજમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથેના વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. તો મોડાસા-શામળાજી હાઇવે પર આવેલી હોટલના છતના પતરા ઉડ્યા હતા. તો ભિલોડાના રામનગર ગામમાં રહેણાંક મકાનના છતના પણ પતરા ઉડ્યા હતા.
સાબરકાંઠામાં વરસાદ
તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, વડાલી સહિતના પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગઢોડા, હડિયોલ, સાબરડેરી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેજ પવન સાથેના વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગૂલ થઈ હતી.
દેશના અનેક ભાગોમાં વરસાદની આગાહી
આ સમયે દેશના મોટાભાગના રાજ્યોમાં વાતાવરણ ખુશનુમા છે. છેલ્લા કેટલાક સપ્તાહથી ગરમીના પ્રકોપમાંથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆર, યુપી, રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. મંગળવાર, 6 જૂને મોટાભાગના રાજ્યોમાં હવામાન સૂકું રહેવાની ધારણા છે. બીજી તરફ, 7 જૂન, બુધવારે તાપમાનમાં વધારો થઈ શકે છે. દિલ્હીમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકોને આકરી ગરમીથી રાહત મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 6 જૂને ઈન્દિરાપુરમ, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, લોની દેહત, હિંડન એરફોર્સ સ્ટેશન, ગાઝિયાબાદ, દાદરી, ગ્રેટર નોઈડાની આસપાસના વિસ્તારોમાં આગામી 2 કલાક દરમિયાન વરસાદ પડી શકે છે. તે જ સમયે, યુપીના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આશંકા છે. જો કે વરસાદ બાદ સૂર્યનો પ્રબળ તાપ પણ લોકોને પરેશાન કરી શકે છે.