Gujarat Rain: દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં નોંધાયો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
Gujarat Rain: ગુજરાતના આ ગત સપ્તાહમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે (Heavy rain) વરસાદ પડ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં બારેમેઘખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડામાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં 15થી 25 ઇંચ જેટલો વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયા છે અહીં રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો તો જૂનાગઢ તાલુકામાં સવા પાંચ ઈંચ, જૂનાગઢ શહેરમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો, વરસાદથી નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થઇ ગયા. ગુજરાતમાં 24 કલાકમાં 99 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો જાણીએ..
છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં નોંધાયો વરસાદ
- દ્વારકામાં વરસ્યો સાડા છ ઈંચ
- દ્વારકાના કલ્યાણપુરમાં પોણો ઈંચ
- જૂનાગઢ તાલુકામાં સવા પાંચ ઈંચ
- જૂનાગઢ શહેરમાં સવા પાંચ ઈંચ
- જૂનાગઢના વંથલીમાં પોણા ચાર ઈંચ
- જૂનાગઢના મેંદરડામાં સાડા ત્રણ ઈંચ
- જૂનાગઢના માળીયા હાટીનામાં પોણા બે ઈંચ
- પાટણ વેરાવળમાં પોણા પાંચ ઈંચ
- ગીર સોમનાથના તાલાલામાં ચાર ઈંચ
- વલસાડના વાપીમાં સવા બે ઈંચ
- વલસાડના પારડીમાં પોણા બે ઈંચ
- વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ
- પોરબંદરના રાણાવાવમાં સવા ઈંચ
- રાજકોટના ઉપલેટામાં સવા ઈંચ
- પોરબંદર તાલુકામાં સવા ઈંચ
- બોટાદના બરવાળામાં એક ઈંચ
- નવસારીના ચીખલીમાં એક ઈંચ
- નવસારીના ગણદેવીમાં એક ઈંચ
- મોરબીના ટંકારામાં એક ઈંચ
- ભાવનગરના મહુવામાં પોણો ઈંચ
- ભાવનગર તાલુકામાં અડધો ઈંચ
- બોટાદના રાણપુરમાં અડધો ઈંચ
- સોમનાથના સુત્રાપાડામાં અડધો ઈંચ
શનિવારે સતત વરસાદને કારણે સૌરાષ્ટ્ર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદને કારણે અનેક ગામોનો શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂરના ભય વચ્ચે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
ગુજરાત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું કે, શનિવારે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં 163 મીમી વરસાદ નોંધાયો હતો. આ પછી જૂનાગઢ શહેર અને તાલુકામાં 133 મીમી અને ગીર સોમનાથ જીલ્લાના પાટણ-વેરાવળમાં 117 મીમી વરસાદ નોંધાયો હતો.