Kutch Rain: યલો એલર્ટની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને મોટું નુકસાન
રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

ભૂજ: રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. કચ્છમાં હવામાન વિભાગની યલો એલર્ટની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. મુંદ્રા, ભૂજ, અંજારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો
મુંદ્રા તાલુકાના બિદડા, મોટા લાયજા, મોટી રાયણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભૂજના મોખાણા, માધાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. રવિવારે ભુજમાં મોડી રાત્રે વરસેલા વરસાદથી ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી.
કાળીતલવારી, ચપરેરી, પધર સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા મગફળી, કપાસ, તલ, બાજરી, મગ સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.
પાક પાણીમાં પલળી જતા ખેડૂતોને મોટુ નુકસાન
ધોધમાર વરસાદથી રતનાલના ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો પાક પાણીમાં પલળી જતા ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. પાક કાઢવાના સમયે જ વરસાદ વરસતા કપાસનો પાક સંપૂર્ણ પણે નષ્ટ થયો છે. તો મગફળીના પાકને પણ મોટુ નુકસાન થયું છે.
ખેડૂતોએ કહ્યું કે કપાસ અને મગફળીનો પાક બજાર સુધી પહોંચે તે પહેલા જ ખરાબ થઈ ગયો છે. જેથી ખેડૂતોને ચાર લાખથી વધુની આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પણ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાય ચુકવવાની માગ કરી છે.
આજે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદની શક્યા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.





















