Gujarat Rain: એકસાથે 3 સિસ્ટમ સક્રિય, 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદને લઈ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે તેની લેટેસ્ટ આગાહીમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદને લઈ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે તેની લેટેસ્ટ આગાહીમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે
હવામાન વિભાગે તેમની આગાહીમાં જણાવ્યું છે કે, આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિકસર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના છે.
હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.
છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
વામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો. ખેરગામમાં 3.19 ઈંચ વરસાદ વરસ્યો તો સૌથી ઓછો ડેડિયાપાડા, કુકરમુંડામાં 1-1 ઈંચ,ખેડબ્રહ્મા, નેત્રંગ, પારડીમાં 1-1 ઈંચ, પારડી, વાલિયામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો. ઉમરપાડામાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં સીઝનનો સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ વરસ્યો છે.





















