Gujarat Rain: કાલે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો શું છે આગાહી
રાજ્યમાં આ વર્ષે ધમાકેદાર રીતે ચોમાસાની શરુઆત થઈ છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે.
Rain Alert in Gujarat : રાજ્યમાં આ વર્ષે ધમાકેદાર રીતે ચોમાસાની શરુઆત થઈ છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. કાલે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
કાલે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગ મજુબ 7 જૂલાઈ સોમવારના દિવસે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે સાત દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
આજે 12 જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, દીવ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ
રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 8 જુલાઇ સુધી સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 8 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે.





















