ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે 45 લોકોના મોત, જાણો ક્યા જિલ્લામાં સૌથી વધારે મોત થયા
ગઈકાલે ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું.

તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. વાઝોડાના કારણે સર્જાયેલ આકસ્મિક ઘટનાઓમા રાજ્યમાં કુલ 45 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 15 લોકોના મૃત્યુ થયા છે. જેમાં મકાન ધસી પડવાથી બે અને દીવાલ પડવાની 13 લોકોના મૃત્યુ થયા છે. તો ભાવનગરમાં કુલ 8 લોકોના મૃત્યુ થયા છે. જેમાં ઝાડ પડવાની બે, મકાન ધસી પડવાથી બે, દીવાલ પડવાથી ત્રણ અને છત પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયુંછે.
તો ગીર સોમનાથમાં 8 લોકોના અવસાન થયા છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો અમદાવાદમાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ખેડામાં બે લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ આણંદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલમાં એક-એક વ્યક્તિઓની મૃત્યુ થયા છે.
નોંધનીય છે કે, ગઈકાલે ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસા થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.
દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. આશરે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.
69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 વીજ પુરવઠાની સપ્લાઈને ખાસ અસર થઈ છે. તો કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ગયો છે. જ્યાં હવે જનરેટરની જરૂર નથી. 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ છે. 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થયા અને 112 રસ્તાઓ ફરી કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે.




















