(Source: ECI/ABP News/ABP Majha)
નવસારી: કોર્ટે એવો આદેશ આપ્યો કે, લેભાગુ બિલ્ડરોમાં ફેલાયો ફફડાટ
દરેક માણસના જીવનનું એક સપનુ હોય છે કે પોતાના સપનાનું ઘર બનાવે, પરંતુ કેટલીક વાર સપનાનું ઘર વિખેરાઈ જતા ઉપર આકાશ અને નીચે ધરતી અને વચ્ચે પિસાઈ રહેલા જીવ જેવી પરિસ્થિતિમાં મુકાઇ જતા હોય છે.
નવસારી: દરેક માણસના જીવનનું એક સપનુ હોય છે કે પોતાના સપનાનું ઘર બનાવે, પરંતુ કેટલીક વાર સપનાનું ઘર વિખેરાઈ જતા ઉપર આકાશ અને નીચે ધરતી અને વચ્ચે પિસાઈ રહેલા જીવ જેવી પરિસ્થિતિમાં મુકાઇ જતા હોય છે. નવસારીના ફાતિમા બિલ્ડિંગ ધારાસાયી થતાં ઘરવિહોણાં બનેલા રહેવાસીઓએ બિલ્ડર અને આર્કિટેક પાસે પૈસા ન સ્વીકારતા કોર્ટ શરણે પહોંચ્યા હતા અને કોર્ટે બિલ્ડીંગ ધરાશાયી થતા દોષી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, નવસારી-વિજલપોરના વોર્ડ નંબર-5ના દસ્તુરવાડમાં બનાવેલ ફાતિમા એપાર્ટમેન્ટના બિલ્ડરોએ ઓછું મટિરિયલ બાંધકામમાં વાપરતા અને પાલિકાના કેટલાક અધિકારીઓના સબ સલામતના રિપોર્ટ આપ્યા હતા. માત્ર 10 વર્ષે જ બિલ્ડીંગ નમી પડતા તેને તોડવું પડ્યું હતું. બિલ્ડરો અને પાલિકાના અધિકારીઓની મીલીભગતને કારણે 8 પરિવારને કોરોના મહામારી દરમિયાન તેમનું ઘર છોડી દેવું પડ્યું હતું. સ્થાનિકોએ પોલીસને ફરિયાદ કરી પણ ન્યાય મળ્યો ન હતો. અંતે કોર્ટમાં ઘા નાંખતા કોર્ટે ફ્લેટધારકની દાદને મંજૂર કરી બિલ્ડરો સહિત 7 સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
28મી સપ્ટેમ્બર-2021ના રોજ ઇમારત એક બાજુ નમી પડી હતી અને બિલ્ડીંગ જોખમી બની ગયું હતું. પિલરમાંથી રેતી નીકળવા લાગી હતી. જેના કારણે પાલિકાએ તાત્કાલિક સુરતના SVNIT સંસ્થાની એન્જિનિયરની કમિટી બનાવી તેમાં તપાસ રિપોર્ટ આપતા ઇમારત તોડી નાંખવાનો રિપોર્ટ આપ્યો હતો. બિલ્ડરોએ અને સ્થાનિકો સાથે બેઠક મળી વળતર આપવા જણાવ્યું પણ વળતર ઓછું હોય આ સામાધાન શક્ય બન્યું ન હતું. આ બાબતે નવસારી પોલીસમાં જતા અધિકારીએ આ સિવિલ મેટર હોય કોર્ટમાં કેસ દાખલ કરો તેમ સલાહ આપી ગુનો નોંધવા હાથ ખંખેરી નાંખ્યા હતા.
જેથી ફ્લેટધારક તેમના એડવોકેટ સતિષભાઈ શર્મા અને અન્ય વકીલો મારફતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેનો નિર્ણય આવતા કોર્ટે ફરિયાદ કરનારા ફ્લેટ ધારક અબ્દુલ હસન શેખના એડવોકેટની તમામ પુરાવા, રેકોર્ડ તપાસી દલીલોને માન્ય રાખી સીઆરપીસીની કલમ મુજબ એપાર્ટમેન્ટ બનાવનાર બિલ્ડરો સહિત બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે. હાલના નગરપાલિકાના ચીફ ઓફિસર આ ઓર્ડર મુદ્દે તમામ માહિતી અને સહકાર આપવાની પણ ખાતરી આપી ચૂક્યા છે. કોર્ટના આદેશ બાદ લેબાગુ બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.