ગુજરાતના આ તાલુકામાં મોતના ડરથી લોકો નથી લઈ રહ્યા કોરોના રસી, જાણો લોકોમાં શું ભ્રમ ફેલાયો છે
આરોગ્ય વિભાગ પણ સતત જાગૃતિ માટે પ્રયાસો કરી રહ્યું છે. જોકે એબીપી અસ્મિતા સમક્ષ આરોગ્ય અધિકારીએ સ્વીકાર કર્યો કે અહીં ભયમાં લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે.
રાજ્ય સરકારે આજથી તમામ 33 જિલ્લામાં 18થી 45 વય જૂથના લોકોનું રસીકરણ શરૂ કર્યું છે. પરંતું વલસાડ જિલ્લાનો એક એવો તાલુકો છે જ્યાં હજુ પણ વેક્સિન લેતા લોકો ડરે છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ તાલુકા એવા કપરાડા તાલુકાના લોકોના મનમાં એવો તો ભ્રમ અને અફવા ફેલાવવામાં આવી કે વેક્સિન લેતા મૃત્યુ થઈ શકે છે. જેના કારણે કપરાડા તાલુકામાં હજુ માત્ર 12 હજાર લોકોએ જ રસી મૂકાવી છે.
ગઈકાલથી 18થી વધુ વય જૂથનાને રસી શરૂ થતા માત્ર બે જ વ્યકિતએ કોરોનાની રસી લીધી છે. લોકો વેક્સિન લે તે માટે તાલુકા પંચાયત પ્રમુખ સહિતનાએ લોકોની સમજાવટ કરી છે. પરંતું હજુ લોકો રસી લેવા તૈયાર થતા નથી. તો જિલ્લા ભાજપે પણ લોકોને વેક્સિન અંગે જાગૃત કરવા અનેક પ્રયત્નો કર્યા પરંતું હજુ સુધી લોકોને સમજાવવામાં સફળતા મળી નથી.
આરોગ્ય વિભાગ પણ સતત જાગૃતિ માટે પ્રયાસો કરી રહ્યું છે. જોકે એબીપી અસ્મિતા સમક્ષ આરોગ્ય અધિકારીએ સ્વીકાર કર્યો કે અહીં ભયમાં લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે.
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ કપરાડા તાલુકાની મુલાકાત લીધી અને ગ્રામજનોને રસી અંગે ગેરમાન્યતાઓ દૂર કરી રસી લેવાની અપીલ કરી છે . તો ગઈકાલે રસી લેનાર 18 વર્ષની યુવતીને ધારાસભ્યએ અભિનંદન પાઠવ્યા હતાં.
નોંધનીય છે કે, આ પહેલા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની રસીને લઈને લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધાને લઈને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી વધારાનો વેક્સિનનો જથ્થો મળ્યો છે, જેથી 18 થી 45 વર્ષનાં યુવાનોને પૂરા રાજ્યમાં વેક્સિન મળશે. આજથી દરરોજ 3 લાખ લોકોને વેક્સિન અપાશે. 45 પ્લસ ઉંમરનાં લોકોને પણ વેકસીન આપવામાં આવી રહી છે. કમનસીબે કેટલીક જ્ઞાતિઓ, કેટલાક વર્ગ અને કેટલાંક લોકો વેક્સિન નથી લઇ રહ્યા.
તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક ગામડાઓમાં પણ લોકો વેક્સિન માટે તૈયાર નથી. અમે સાધુ સંતો, અમારાં હોદેદારો લોકોને સમજાવે તે પ્રકારનાં પ્રયાસો કરી રહ્યા છીએ. ઓછા સમજુ, વ્હેમવાળા કે અંધશ્રધ્ધાવાળા લોકો વેક્સિન લેતા નથી. જાહેરમાં વેક્સિનનો અપપ્રચાર કરતા હોય તેવા લોકો અમારી સામે આવશે તો અમે તેમને પકડીને એપીડેમિક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરીશું.