સૌરાષ્ટ્રના ક્યા શહેરમાં ભારે પવન, 60 કિલોમીટરની સ્પીડે ફૂંકાયેલા પવનમાં છાપરાં ઉડ્યાં, કેટલા કલાક લાઈટ રહી બંધ ?
ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ સુરતના ઉમરપાડામા 6 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડમાં પારડી ખેરગામમા પણ 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમા સૌથી વધુ વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્રના ઉનામા એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
રાજકોટ જિલ્લામાં બે દિવસથી હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે જસદણ પંથકમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ અને ભારે પવનને પગલે ઘરો અને દુકાનોના પતરા તથા બેનરો ઉડ્યા હતા. વરસાદને કારણે જસદણમાં 8 કલાક સુધી વીજળી પણ બંધ રહી હતી. ઠંડા પવનના સુસવાટા વચ્ચે લોકો ઘરમાં જ પુરાઇ રહ્યા છે.
જસદણમાં ફૂંકાયો ભારે પવન
જસદણના આટકોટમાં રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને પગલે લાઈટ પણ ગુલ થઈ ગઈ હતી. પંથકના પાચવડા, જંગવડ, વીરનગર સહિતના આજુબાજુ વિસ્તારમાં 40થી 50ની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. જસદણ શહેરના કૈલાસનગર વિસ્તારમાં ભારે પવનને પગલે આઠ કલાક સુધી લાઈટ બંધ રહી હતી.
વરસાદની આગાહી યથાવત
રાજ્યમાં આજે પણ માવઠાનું સંકટ યથાવત છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે. ઘઉં, ચણા, કપાસ, તુવેર અને શેરડી સહિતના પાકને માવઠાંના કારણે ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં રખાયેલો ખેતપેદાશોનો જથ્થો પલળી ગયો હોવાના બનાવ પણ રાજ્યમાં ઘણાં સ્થળો પર સામે આવ્યા છે.
આજે રાજ્યના મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બુધવારે સૌરાષ્ટ્રમાં ફરી એક વાર માવઠાંરૂપી મુસીબત વરસી હતી જેમાં અમરેલી જિલ્લાના ખાંભામાં અને સોમનાથ જિ.ના ઉનામાં ૧ ઈંચ વરસાદ અને ઉના પાસેના કેંદ્ર શાસિત દીવમાં ધોધમાર ૩ ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે.
તાલાલા પંથકના આંબાથી માંડીને સૌરાષ્ટ્રમાં સોમનાથ,અમરેલી,જુનાગઢ પંથકમાં જીરુ, ઘંઉ, કપાસ, ચણા, લસણ, ડુંગળી સહિતના કૃષિપાકને નુકશાન થયાના તથા માર્કેટ યાર્ડની ખરીદ-વેચાણની કામગીરી ખોરવાઈ ગયાના અહેવાલ મળ્યા હતા. તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડામાં દોઢ ઇંચ જ્યારે કામરેજ, બારડોલી, ચોર્યાસી, માંગરોળ, પલસાણા અને સુરત સિટીમાં અડધો ઇંચ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સુત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પાણીમાં પલળી જતાં મોટુ નુકસાન થયું છે. લગભગ 200 થી 300 ગુણી જથ્થો પલળ્યો હોવાની સંભાવના છે. આ જથ્થાને ટેકાના ભાવે ખરીદવાનો હતો પણ હાલ મગફળીનો જથ્થો રવાના કરી દેવાયો છે.