ખોડલધામના નરેશ પટેલ સ્ટેજ પર બેઠેલા હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયા તરફ ઈશારો કરીને શું કહ્યું ?
જસદણમાં શનિવારે યોજાયેલા પાટીદાર સંમેલનમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે હાર્દિક પટેલ તથા અલ્પેશ કથીરિયાનાં આડકતરી રીતે વખાણ કર્યાં હતાં.
રાજકોટઃ જસદણમાં શનિવારે યોજાયેલા પાટીદાર સંમેલનમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે હાર્દિક પટેલ તથા અલ્પેશ કથીરિયાનાં આડકતરી રીતે વખાણ કર્યાં હતાં. તેમણે હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાનું નામ લીધા વિના મંચ પર હાજર રહેલા હાર્દિક અને અલ્પેશ કથીરીયા તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં યુવાનોએ પોતાની તાકાત શું છે તે બતાવી દીધી છે અને યુવાનો શું કરી શકે તેનો પરિચય આપી દીધો છે.
નરેશ પટેલે કહ્યું કે, વર્ષોથી પાટીદાર સમાજમાં સંગઠનની ભૂખ હતી. યુવાનોની મહેનતથી અને મુખ્ય પાટીદાર સંસ્થાઓના પ્રયત્નોથી આજે પાટીદારો એક થયા છે. રાજકોટ જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે હુંકાર કર્યો કે, પાટીદાર યુવાનોએ છેલ્લા 3-4 વર્ષમાં ઘણું કરી બતાવ્યું છે પણ ક્લાર્કથી કલેકટર અને રાજકારણમાં સરપંચથી સાંસદ પણ પાટીદારો જ હોવા જોઈએ.
પાટીદાર સમાજના સંમેલનના મંચ પરથી પ્રાસંગિક સંબોધન કરતાં નરેશ પટેલે કહ્યું કે, “ છેલ્લા પાંચ વર્ષમાં યુવાનોએ પોતાની શક્તિ શું છે, તે બતાવી દીધું છે. સરકારી નોકરીઓમાં પણ આપણા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને સ્થાન મળ્યું છે. પરંતુ જો તેમને યોગ્ય સ્થાન ન મળે તો તે સમાજનું કામ ન નહીં કરી શકે.
તેમણે કહ્યું કે, એવી વ્યક્તિને ચૂંટજો જે ખુરશી પર બેસ્યા બાદ સમાજને ભૂલી ન જાય તેની નજર સમાજ પર રહે. હું કોની વાત કરૂં છું તે નામ લેવાની જરૂરી નથી આપ સમજી ગયા હશો” તેમણે વધુમાં કહ્યું કે, ‘ હમણા સ્વામીજી કહીને ગયા તેમ કમિશનર અને કલેક્ટર પાટીદાર સમાજના હોવા જોઇએ તો તેનો પાયો નાંખનાર પણ જસદણના જ પાટીદાર છે. હું તો કહીશ કે ક્લાર્કથી કલેક્ટર પણ પાટીદાર હોવો જોઇએ અને હું તો કહીશ કે રાજકારણમાં સરપંચથી સાંસદ પણ પાટીદાર જ હોવો જોઇએ” તેમણે વધુમાં કહ્યું કે, ‘પાટીદારો પર કરવામાં આવેલા કેસો પાછા ખેંચાયા નથી. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે તે સમય જ બતાવશે.