Kutch Demolition: ભચાઉમાં દબાણ હટાવો કામગીરી શરૂ, માથાભારે તત્વોના વિસ્તારોમાં ફરી વળ્યું બૂલડૉઝર, તસવીરો
આજે કચ્છના ભચાઉના શિકારપુર ગામે તંત્ર દ્વારા આ મેગા ડિમૉલેશન શરૂ કરાયુ છે
Kutch Demolition: કચ્છ જિલ્લામાં ફરી એકવાર તંત્ર દ્વારા મેગા ડિમૉલેશનની કામગીરી શરૂ કરાઇ છે. આજે વહેલી સવારથી જ ભચાઉના શિકારપુરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણને હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને તંત્રએ બૂલડૉઝર ઓપરેશન શરૂ કર્યુ છે.
આજે કચ્છના ભચાઉના શિકારપુર ગામે તંત્ર દ્વારા આ મેગા ડિમૉલેશન શરૂ કરાયુ છે, છેલ્લા કેટલાય સમયથી ગામમાં માથાભારે તત્વો દ્વારા કેટલાક સરકારી એકમો અને જમીન પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, આવા માથાભારે તત્વો દ્વારા લોકોને ત્રાસ અપાતો હતો, અને આ લોકો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા હતા. આજે તંત્રએ આવા લોકો સામે એક્શન લેવું શરૂ કર્યુ. આવા વિસ્તારોમાં સવારથી જ તંત્રની ટીમ બૂલડૉઝર લઇને પહોચી હતી, અને માથાભારે તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરાયા હતા. ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ તંત્રની સાથે સ્થાનિક પોલીસ, અને એલસીબી-એસઓજીની ટૂકડી પહોંચી હતી. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આખા ગામમાં સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
માથાભારે તત્વો
પિતા- હાજી અમાદ ત્રાયા
પુત્ર - રણમલ ઉર્ફે રાણીઓ
પુત્ર - કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર
આ પહેલા મોરબીમાં પણ થયું હતુ મેગા ડિમોલિશન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા 200 જેટલા મકાનો તોડી પડાયા હતા
મોરબી શહેરના પંચાસર રોડ પહોળો કરવા માટે રોડ બનાવવામાં નડતરરૂપ ગેરકાયદે દબાણો ઉપર તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ નોટિસ આપ્યા છતાં મકાનોના દબાણ નહિ હટતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડે. કલેકટર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આશરે ૨૦૦ જેટલા મકાનો તોડી પડવાની કામગીરી હાથ ધરાઈ છે.
મોરબીના પંચાસર રોડને પહોળો બનાવવાની કામગીરી મંજૂર થતા આ રોડ બનાવવા માટે પાલિકા તંત્રએ અગાઉ પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરામાં ૩૦થી વધુ વર્ષોથી કાચા પાકા મકાનોમાં રહેતા આશરે ૩૦૦ જેટલા પરિવારોને નોટિસ આપી હતી અને જો આ મકાનો જાતે નહીં ખાલી કરે તો તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પડાશે તેવી નોટીસ પણ આપવામાં આવી હતી.
નોટીસનો સમયગાળો પૂર્ણ થતા આજે સવારે તંત્રએ પંચાસર રોડ ઉપર ભરતપરામાં મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું. આજે સવારથી મોરબી નગરપાલિકા તંત્રના ઇન્ચાર્જ ચીફ ઓફિસર, ડીવાયએસપી, ૧૨૦ પોલીસ જવાનો અને ૧૫ પોલીસ અધિકારી, ડે. કલેકટર અને મામલતદાર, સહિત રેવન્યુ અને પાલિકાનો 50 જેટલો સ્ટાફે ડીમોલેશન હાથ ધરીને આશરે ૨૦૦ જેટલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમારે જણાવ્યું હતું કે, રોડ પહોળો કરવામાં નડતર રૂપ બાંધકામ હટાવવા માટે લોકોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને અનેક લોકોએ પોતાના મકાન સ્વૈચ્છીક ખાલી કરી નાખ્યા છે અને બાકી રહેતા મકાનો હટાવવા માટે હાલમાં પાંચ જેસીબી, 8થી વધુ ટ્રેક્ટરો સહિતના વાહનોના મોટા કાફલા સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.