'સસ્પેન્ડ કરાવી દઇશ બધાને... સચિવો પણ ફફડે છે મારાથી': પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાની કોન્સ્ટેબલને કથિત ધમકી, વીડિયો વાયરલ
ભાણેજની પત્નીના ઘરેલુ કંકાસ મામલે આવેલી ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમ સાથે ગેરવર્તણૂકનો આરોપ; પૂર્વ મંત્રીએ પોલીસ કાર્યવાહીની પણ ધમકી આપી હોવાનો વીડિયો વાયરલ.

Mahendra Munjpara viral video: સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં અને કોળી સમાજમાં મોટું નામ ધરાવતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ડૉ. મહેન્દ્ર મુંજપરા એક ગંભીર વિવાદમાં સપડાયા છે. તેમના ભાણેજની પત્ની દ્વારા ઘરેલુ ત્રાસ અંગે ૧૮૧ અભયમ હેલ્પલાઇનની મદદ માંગવામાં આવી હતી, જે બાદ ઘટનાસ્થળે પહોંચેલી અભયમ ટીમ સાથે ડૉ. મહેન્દ્ર મુંજપરાએ કથિત રીતે ગેરવર્તણૂક કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ટીમના કર્મચારીઓને ધમકાવતા અને પોતાની ઓળખનો દુરુપયોગ કરતા જોવા મળે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ ઘરેલુ કંકાસના એક મામલામાં આવેલી ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમને ખખડાવતા અને ગંભીર ધમકીઓ આપતા નજરે પડે છે. આ ઘટના ડૉ. મુંજપરાના ભાણેજ ભાવિન સાવલિયા અને તેમની પત્ની ઇલાબેન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના પારિવારિક વિવાદ સાથે સંબંધિત છે. ઇલાબેને સાસરિયાના ત્રાસ અને પતિના કથિત અનૈતિક સંબંધો અંગે ૧૮૧ અભયમનો સંપર્ક કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ઇલાબેન પોતાના પરિવારના સભ્યો અને ૧૮૧ની ટીમ સાથે ભાણેજના ઘરે (જે ડૉ. મુંજપરાના બહેનનું ઘર હોવાનું મનાય છે) પહોંચ્યા હતા. આ દરમિયાન માથાકૂટ થઈ હતી અને ડૉ. મહેન્દ્ર મુંજપરા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. વાયરલ વીડિયોમાં ડૉ. મુંજપરા ૧૮૧ ટીમના કર્મચારીઓને ઉદ્દેશીને કહી રહ્યા છે કે, "જેટલા આવ્યા છો એ બધાને સસ્પેન્ડ કરી દઇશ." તેમણે પોલીસ કાર્યવાહી કરવાની પણ ધમકી આપી હતી. વીડિયોમાં તેઓ એમ પણ બોલી રહ્યા હોવાનું સંભળાય છે કે, "કેન્દ્રનો મિનીસ્ટર હતો, તમારા સચિવ પણ ફફડે છે મારાથી."
ભાણેજની પત્ની ઇલાબેનના ગંભીર આરોપો
ડૉ. મુંજપરાના ભાણેજ ભાવિનની પત્ની ઇલાબેને જણાવ્યું કે, તેમના લગ્ન ૨૦૧૫માં થયા હતા અને છેલ્લા ૭ વર્ષથી ઘરકંકાસના કારણે તેઓ પિયરમાં રહે છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમના પતિ ભાવિને છૂટાછેડા વગર મૈત્રીકરાર કરીને બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધો રાખ્યા છે. ઇલાબેને દાવો કર્યો કે, જ્યારે તેઓ ૧૮૧ અને પોલીસ ટીમ સાથે ઘરે ગયા ત્યારે તેમની સાથે અને ટીમ સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી. તેમણે સાસરિયા દ્વારા ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું, જેમાં તેમના સાસુ પર બળજબરી અને ઇજા પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે હકીકતમાં ધક્કામુક્કી તેમની સાથે થઈ હતી.
ઇલાબેને વધુમાં જણાવ્યું કે, ડૉ. મહેન્દ્ર મુંજપરા ઘટના દરમિયાન ત્યાં આવ્યા હતા અને તેમણે બધા સાથે ગેરવર્તન કર્યું હતું, જેમાં પોલીસ પણ સામેલ હતી. તેમણે દાવો કર્યો કે ડૉ. મુંજપરાએ તેમનું સ્ત્રી ધન અને સામાન પણ લેવા દીધો ન હતો અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ઇલાબેન અનુસાર, ડૉ. મુંજપરાએ પોલીસકર્મીઓને એમ પણ કહ્યું હતું કે "તમને પૈસા ખાઇને કોણે નોકરીએ રાખ્યા છે" અને "હું તમને સસ્પેન્ડ કરાવીને જ રહીશ." ઇલાબેને આક્ષેપ કર્યો કે ડૉ. મુંજપરા આ પહેલા ક્યારેય તેમના કેસમાં પડ્યા ન હતા, પરંતુ આ વખતે દખલ કરીને બળજબરી કરી અને હોદ્દાનો દુરુપયોગ કર્યો. તેમણે અંતમાં કહ્યું કે એક પૂર્વ સાંસદ અને કોળી સમાજના આગેવાન તરીકે ડૉ. મુંજપરાને આ શોભતું નથી અને તેમણે પોતાના ભાણેજ ઉપરાંત સમાજની દીકરીનું જીવન પણ બગાડ્યું છે.
આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ હિરાણીએ જણાવ્યું કે, આ ઘટના સાચી છે અને ઇલાબેને તેમના ભાણેજ વિરુદ્ધ અભયમમાં ફોન કર્યો હતો, જેની તપાસમાં તેમની ટીમ ત્યાં પહોંચી હતી. તેમણે સ્વીકાર્યું કે આ સમગ્ર મામલો ઘરેલુ અને પતિ પત્નીના ઝઘડાનો છે અને હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પીઆઈએ પોલીસ સાથે થયેલા ગેરવર્તણૂક અંગેની ઘટના સ્વીકારી, પરંતુ ડૉ. મહેન્દ્ર મુંજપરા વિરુદ્ધ સીધું કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, આ મામલે ડૉ. મહેન્દ્ર મુંજપરાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે અને આગામી સમયમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.





















