17થી 18 જૂને માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી
સૌરાષ્ટ્ર ,કચ્છ ,ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ચોમાસું ગુજરાત, દીવમાં દસ્તક આપી ચૂક્યું છે.
સૌરાષ્ટ્ર ,કચ્છ ,ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ચોમાસું ગુજરાત, દીવમાં દસ્તક આપી ચૂક્યું છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે. 17થી 18 જૂન માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે ચેતવણી આપી છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર હાલમાં ગુજરાત પર સક્રિય થઈ છે એક વરસાદી સિસ્ટમ. 16 અને 17 જૂને વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં આ વર્ષે આટલા ટકા પડશે વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની જાહેરાત કરી છે. આજે ગાંધીનગર ખાતે રાહત નિયામક સી.સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી. જેમાં IMDના અઘિકારી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે.
છેલ્લા ૨૪ કલાક રાજ્યમાં થયેલ વરસાદની વાત કરીએ તો, સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી રાજ્યમાં બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૦૭ મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી ૧૪.૪૫ મીમી વરસાદ થયો છે, જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ ૮૫૦ મીમી.ની સરખામણીએ ૧.૭૦ ટકા છે.
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત ૨,૫૩,૦૨૯ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા. ૧૩ જુન સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨,૧૮,૫૫૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૨.૯૩% વઘુ વાવેતર થયું છે.
સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧૫૪૯૧૫ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૪૬.૩૭ ટકા છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૯૪,૯૫૪ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૩૪.૯૩ ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નીંગ પર છે.
આ બેઠકમાં એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ., ઉર્જા, માર્ગ અને મકાન, આરોગ્ય, વન વિભાગ, સી.ડબલ્યુ.સી, ઇસરો સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અઘિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.