Gandhinagar: રાજ્યના 10 હજારથી વધુ પ્રવાસી શિક્ષકોની દિવાળી બગડી શકે છે, 8 મહિનાથી નથી મળ્યો પગાર
રાજ્યના 10 હજારથી વધુ પ્રવાસી શિક્ષકોની દિવાળી બગડી શકે છે.દાહોદ જિલ્લાનાં 270 પ્રવાસી શિક્ષકોનો તો 11 મહિનાથી પગાર થયો નથી.
ગાંધીનગરઃ રાજ્યના 10 હજારથી વધુ પ્રવાસી શિક્ષકોની દિવાળી બગડી શકે છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યના 10 હજાર પ્રવાસી શિક્ષકોના 8 મહિનાથી પગાર થયો નથી. દાહોદ જિલ્લાનાં 270 પ્રવાસી શિક્ષકોનો તો 11 મહિનાથી પગાર થયો નથી. ગત એપ્રિલમાં પ્રવાસી શિક્ષકનો કાર્યકાળ પૂર્ણ થતાં 6 મહિના માટે લંબાવ્યો હતો. કાર્યકાળ લંબાવાયો પરંતુ 8 મહિનાથી પગાર ન થતાં પ્રવાસી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે.
દાહોદ જિલ્લામાં તો પ્રવાસી શિક્ષકો છેલ્લા 11 મહિનાથી પગારથી વંચિત છે. પ્રવાસી શિક્ષકો પગારથી વંચિત રહેતા કોંગ્રેસે હવે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા મનિષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે શિક્ષણની અંદર પ્રવાસ ન હોય, પ્રવાસી શિક્ષક ભાજપ સરકાર લાવી છે. પગાર નહીં પણ નજીવું વેતન રાખ્યું છે અને તે પણ આઠ મહિનાથી ચૂકવ્યું નથી. અંતમાં મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને તાત્કાલિક પ્રવાસી શિક્ષકોને બાકી વેતન ચૂકવવા રજૂઆત કરી છે. આ ઉપરાંત પત્ર પાઠવી પણ રજૂઆત કરી છે.
આ મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસની સંકલન સમિતિના સભ્ય ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, શિક્ષણની અંદર પ્રવાસ નહિ પ્રવાસી શિક્ષક ભાજપ સરકાર લાવી. પગાર નહિ નજીવું વેતન રાખ્યું પણ તે 8 મહિનાથી ચૂકવ્યું નથી. રાજ્યના 10 હાજર પ્રવાસી શિક્ષકોની દિવાળી સરકાર ના બગાડે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને અને તાત્કાલિક પ્રવાસી શિક્ષકોને નાણાં ચૂકવવા માંગણી કરી છે.
આજથી રાજ્યમાં જ્ઞાન સહાયક શિક્ષકો હાજર થયા હતા. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ ૯ અને ૧૦માં જ્ઞાનસહાયક શિક્ષકો હાજર થયા હતા. કોઈ વિકલ્પ ન હોવાથી મજબૂરીથી જ્ઞાન સહાયકમાં જોડાયા હોવાનો શિક્ષકોએ મત વ્યક્ત કર્યો હતો. અમદાવાદ શહેરની શાળામાં ૨૦૬ અને ગ્રામ્ય વિસ્તારની શાળામાં ૨૩૯ જ્ઞાનસહાયક શિક્ષકોની ફાળવણી થઈ છે. બીજી તરફ ધોરણ માધ્યમિક વિભાગના પ્રવાસી શિક્ષકો પગાર વિના જ છૂટા કરાયા છે. ઉપરાંત ૧૧ અને ૧૨માં પગાર વિના જ પ્રવાસી શિક્ષકો કામગીરી કરી રહ્યા છે.