36th National Games: પીએમ મોદીએ નેશનલ ગેમ્સનું કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમની તમામ હાઈલાઈટ્સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત કાર્યક્રમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું છે.
36th National Games: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત કાર્યક્રમમાં 36મી નેશનલ ગેમ્સનું (36 National Games) ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ સૌથી મોટો રમતોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જુડેગા ઈન્ડિયા જીતેગા ઈન્ડિયાની ભાવના નેશનલ ગેમ્સમાં છે. આ અસાધારણ છે, અદ્ભુત છે. હું રમતગમતની દુનિયાના આવનારા સુવર્ણ ભવિષ્યની શરૂઆત છું. હું રમતોમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ રમતોત્સવ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
દેશમાં 7 વર્ષ બાદ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો. ગુજરાતને પ્રથમ વખત નેશનલ ગેમ્સની યજમાની કરવાની તક મળી છે. આ વખતે આ ગેમ્સ માટે કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું નથી. રાજ્યના વિવિધ 6 શહેરોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ઓલિમ્પિયન પીવી સિંધુ, નીરજ ચોપરા અને રવિ કુમાર દહિયા પણ હાજર રહ્યા હતા. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પહેલાં પીએમ મોદીએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે સ્ટેડિયમમાં હાજર દર્શકોનું અભિવાદન કર્યું હતું.
અનેક કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યુંઃ
ઓપનિંગ સેરેમની દરમિયાન અનેક કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર લોકો પણ ગરબા કરતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક મોહિત ચૌહાણે પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. તેણે ફિલ્મ રોકસ્ટારનું ગીત 'નાદન પરિંદે' ગાયું હતું. આ કાર્યક્રમમાં શંકર મહાદેવને પણ પોતાના ગીતોથી લોકોનું મનોરંજન કર્યું હતું.
કાર્યક્રમમાં શું થયું
ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન ગુજરાતની વિકાસ યાત્રા બતાવવામાં આવી હતી. જેમાં આઝાદીથી લઈને ગુજરાત વિકસિત રાજ્ય બનવા સુધીની સફરનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતને આગળ લઈ જવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કેટલું યોગદાન છે તે પણ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના સ્થાનિક કલાકારોએ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું.