હાલોલ નગરપાલિકામાં 10 કરોડથી વધુની નાણાકીય ગેરરીતિ મામલે તમામ કોર્પોરેટરોને નોટિસ
ખુદ ભાજપના નગર સેવકે જ રિઝનલ મ્યુનિસિપલ કમિશનર અને વિજીલંસ કમિશનરને રજૂઆત કરી હતી
હાલોલઃ પંચમહાલની હાલોલ નગરપાલિકામાં 10 કરોડથી વધુની નાણાંકીય ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે હાલોલ નગરપાલિકાના તમામ કોર્પોરેટર અને અગાઉની ટર્મના નગર સેવકોને નોટિસ ફટકારાતા ચકચાર મચી ગઈ છે. હાલોલ નગર પાલિકામાં છેલ્લા 4 ટર્મથી ભાજપનું શાસન છે.
ચોંકાવનારી વાત તો એ છે ખુદ ભાજપના નગર સેવકે જ રિઝનલ મ્યુનિસિપલ કમિશનર અને વિજીલંસ કમિશનરને રજૂઆત કરી હતી અને પાલિકામાં વિકાસના કામોમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. બાદમાં વિજિલન્સ કમિશનરે તપાસ હાથ ધરી હતી. નગર પાલિકામાં વર્ષ 2013થી 2020 સુધીમાં આશરે 13 કરોડના વિકાસના કામ કરાયા છે જેમાં નિયમોને નેવે મૂકી અને ટેંડર પ્રક્રિયા વિના જ વર્ક ઓર્ડર એજંસીને ઈશ્યું કરાયા હોવાનો પણ ખુલાસો થયો હતો.
વિજીલન્સ દ્વારા રજૂ કરવામાં આવેલા તપાસ રીપોર્ટમાં સામે આવ્યું છે કે હાલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં કરવામાં આવતા વિકાસના કામો માટે નક્કી કરવામાં આવતી એજન્સીઓને સરકારી તમામ નિયમો નેવે મુકીને કામો આપવામાં આવ્યા છે તો આવાસ યોજનામાં પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ખર્ચની રકમ કરતા વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. હાલોલ પાલિકા દ્વારા નગરમાં પાણી પુરવઠા,પાણી એકત્રીકરણ અને વિતરણ , નવીન બોરનું શારકામ, સ્ટ્રીટ લાઈટનું કામ, સ્ટ્રોમ વોટરનું કામ, હેન્ડપમ્પ રીપેરીંગ , પેવર બ્લોકનું કામ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ,સી.સી.રોડ રીપેરીંગનું કામ , તળાવ ઊંડા કરવા તેમજ જેસીબી અને હીટાચી મશીન દ્વારા કરવામાં આવતા કામો વગેરે વિકાસના કામોમાં પાલિકાના સત્ત્તાધીશો દ્વારા અમુક ચોક્કસ એજન્સીઓ - કોન્ટ્રાક્ટરોને આર્થિક લાભ પહોંચાડવા માટે પાલિકામાંથી કામોની વહીવટી કે તાંત્રિક મંજૂરી મેળવ્યાં વગર અને સરકારે નક્કી કરેલા કામોના ભાવો કરતા ઊંચા ભાવે તેમજ મોટાભાગના કામોમાં ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના જ કામોના વર્ક ઓર્ડર એજન્સીઓને આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ મામલે રિઝનલ મ્યુનિસિપલ કમિશનરે હાલની ટર્મના અને અગાઉની ટર્મના ભાજપ અને કૉગ્રેસના મળીને કુલ 36 સભ્યને નોટિસ ફટકારી હતી અને ખુલાસો કરવાના નિર્દેશ આપ્યા હતા. નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને પૂર્વ સભ્યોને નોટીસ મળતાની સાથે જ બેઠકોનો દોર શરૂ થયો હતો. હાલના પાલિકાના ભાજપના સભ્યો દ્વારા તેમને મળેલી નોટીસના ખુલાસા રજૂ કરવા માટે પાલિકાના ચીફ ઓફિસરને તેમના રીપ્રેઝન્ટેટીવ તરીકે સત્તા આપી હતી. તો બીજી તરફ ભાજપના નગરસેવકોએ તેમની પર લગાવવામાં આવેલા તમામ આરોપનું ખંડન કર્યું હતું.