Gujarat Rain: આ તારીખથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, પરેશ ગોસ્વામીની વરસાદને લઈ મોટી આગાહી
Gujarat Rain Alert: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો, આગામી 15 સપ્ટેમ્બર સુધી ખેડૂતોને રાહત, ફરી એક રાઉન્ડની શક્યતા.

Paresh Goswami rain forecast: ગુજરાતમાં ભારે વરસાદી માહોલ બાદ હવે રાહતનો સમય શરૂ થયો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાંથી આવેલી અને ગુજરાત પર સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે નબળી પડીને પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમને કારણે રાજ્યભરમાં 80 થી 85% વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેનાથી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે. જોકે, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં અનુમાન મુજબ ભારે વરસાદ પડ્યો નથી. હવે આગામી 15 થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ઘટશે, જેનાથી ખેડૂતોને તેમના કૃષિ કાર્યો માટે પૂરતો સમય મળશે.
ગુજરાતમાં ચોમાસાના આ સીઝનમાં એક પછી એક વરસાદી રાઉન્ડ આવી રહ્યા છે, પરંતુ તાજેતરમાં આવેલા એક મોટા રાઉન્ડ બાદ હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ આ અંગે વિસ્તૃત માહિતી આપી છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ
પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ ગુજરાત પર ડિપ્રેશન બની અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન બનીને રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ લાવ્યો. સાર્વત્રિક વરસાદ એટલે એવો રાઉન્ડ જેમાં રાજ્યના 80 થી 85% વિસ્તારને વરસાદનો લાભ મળ્યો હોય. આ રાઉન્ડમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5 થી 10 ઇંચ અને એક-બે સેન્ટરમાં તો 12 થી 15 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો.
જોકે, ગોસ્વામી એ સ્વીકાર્યું કે તેમના અનુમાનમાં થોડું પ્લસ-માઇનસ થયું છે. તેમણે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓ - ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર - માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી, પરંતુ આ વિસ્તારોમાં માત્ર સામાન્ય વરસાદ જ નોંધાયો. તેમણે જણાવ્યું કે, આટલી મોટી સિસ્ટમમાં 2 થી 5% નો તફાવત સામાન્ય હોય છે અને સત્યને સ્વીકારવું એ જ મહત્વનું છે.
હાલની સિસ્ટમ અને આગામી દિવસોની આગાહી
વરસાદ માટે જવાબદાર સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે અને પાકિસ્તાન તરફ ખસી રહી છે. આવનારા 24 થી 48 કલાકમાં આ સિસ્ટમ કરાચી થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાત પરથી વરસાદી માહોલ હળવો થશે. આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 થી 2 ઇંચ જેટલો સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં આજે મોડી રાતથી વરસાદ વિરામ લેશે અને પવનની ગતિ પણ 10 સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય થઈ જશે.
વરસાદનો આગામી રાઉન્ડ અને ખેડૂતો માટે સલાહ
આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે, પરંતુ 2025 નું ચોમાસુ પૂર્ણ થયું નથી. પરેશ ગોસ્વામી એ આગાહી કરી છે કે 15 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે. જોકે, આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય અને રાજ્યના લગભગ 40 થી 50% વિસ્તારને જ લાભ મળી શકે છે. ખેડૂતો માટે તેમણે સલાહ આપી છે કે આ વરાપના સમયનો ઉપયોગ કૃષિ કાર્યો માટે કરી લેવો.





















