Gujarat Rain: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે, જાણો પરેશ ગોસ્વામીની આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે. ચાલુ માસ એટલે ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે.
અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે. ચાલુ માસ એટલે ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે. જેથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. અમુક જિલ્લામાં અતિવૃષ્ટિનો માહોલ સર્જાવાની પણ આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ગાજવીજ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ (rain)વરસી શકે છે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. નોંધનિય છે કે, હાલ રાજસ્થાન પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ છે તો બીજી તરફ આગામી દિવસોમાં બંગાળીની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના છે. હાલની સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની (rain) શક્યતા છે.
ચાલુ ચોમાસે ગુજરાતના ડેમની જળસપાટીની વાત કરીએ તો દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં બેથી ત્રણ સેન્ટીમીટરનો વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 135.88 મીટર પર પહોંચી છે. ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ મોડ પર છે.
સરદાર સરોવર ડેમના વધારાના પાણીથી ઉત્તર ગુજરાતના 952 તળાવો ભરાશે. ચાર જિલ્લામાં 13 પાઈપ લાઈન મારફતે એક હજાર ક્યુસેક તળાવોમાં પાણી પહોંચાડાશે. રાજ્યના કુલ 207 પૈકી 50 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 42, દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતનો એક ડેમ ઓવરફઅલો થયો છે. કુલ 207 જળાશયોમાં હાલ કુલ 72.38 ટકા જળસંગ્રહ છે.
પાણીની ભરપૂર આવકથી રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ પર છે, 80થી 90 ટકા ભરાયેલા 16 જળાશયો એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર છે. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 70.81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 87.34 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 84.46 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 54.51 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 53.27 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ આગાહી