રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજ સહિત અન્ય 68 જજના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટની રોક
ગુજરાતની નીચલી કોર્ટના 67 જજના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેટલાક ચોક્કસ અવલોકન કર્યા છે. જેના આધારે આ રોક લગાવી હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાતની નીચલી કોર્ટના 67 જજના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેટલાક ચોક્કસ અવલોકન કર્યા છે. જેના આધારે આ રોક લગાવી હોવાની માહિતી સામે આવી છે. 9 મેના રોજ યોજાયેલી સુનાવણીમાં ગુજરાતમાં નીચલી અદાલતના 67 જ્યુડિશિયલ ઓફિસરોના પ્રમોશન સામે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સોમવારે આ અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં બંને પક્ષોની રજૂઆત પૂર્ણ થઈ હતી.
કુલ 68 જજોની બદલી અને બઢતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવનારા સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ એચ. એચ વર્માને પ્રમોશન સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું હતું. તેમની સાથે અન્ય 67 જજની પણ બઢતી-બદલી કરવામાં આવી હતી. બાદમાં આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
મેરિટ અને સિનિયોરિટીના આધારે નવું લિસ્ટ બનાવવા માગ
અરજીમાં ગુજરાત હાઇકોર્ટની યાદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જજોની નિમણૂંક માટે ઇસ્યુ કરવામાં આવેલ નોટિફિકેશન રદ કરવાની માંગ કરીને મેરિટ અને સિનિયોરિટીના આધારે નવું લિસ્ટ બનાવીને નિમણૂંક કરવાની માગ કરવામાં આવી હતી. જસ્ટિસ એમ.આર શાહની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરવામાં આવી હતી.
સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એચ. એચ વર્માને પ્રમોશન આપીને રાજકોટ કોર્ટ ખાતે 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. તેમણે જ રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે આ તમામ જજના પ્રમોશન પર રોક લગાવી દીધી છે.
પ્રમોશન મેળવનાર જજોને નવી જગ્યાએ મુકવામાં આવ્યા છે. આ તમામ હાલ ગુજરાત જ્યુડિશિયલ એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે. આ દરમિયાન તેમના પ્રમોશનને વરિષ્ઠ સિવિલ જજ કેડરના ન્યાયિક અધિકારીઓ રવિ કુમાર મહેતા અને સચિન મહેતા દ્વારા પડકારવામાં આવ્યા હતા. અરજીમાં તેમણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10 માર્ચે બહાર પાડવામાં આવેલ પ્રમોશન લિસ્ટને રદ કરવાની માંગણી કરી છે.
સુરત કોર્ટના જજ હરીશ વર્માએ 23 માર્ચે રાહુલને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી. જોકે તેમને જામીન મળી ગયા હતા. બીજા જ દિવસે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય હતા.