Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવુ રહેશે હવામાન, જાણો વરસાદને લઈ શું છે આગાહી ?
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે.
ગાંધીનગર : રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી ચાર-પાંચ દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી બનસકાઠાના ધાનેરામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના પગલે ધાનેરાના ખેતરો બેટમાં ફેરવાયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. બિપરજોય વાવાઝોડાની અસર બાદ બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવાર અને મંગળવારે મહિસાગર, નવસારી, વલસાડ, દાહોદ, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ
વીંછીવાડી, હડતા સહિતના ગામના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી રેલ નદીમાં પાણીની આવક થઈ છે. ખેતરો પાણીમાં ગરકાવ થતા ઉભો પાક તણાયો છે. ધોધમાર વરસાદથી બનાસકાંઠાના ધાનરાના જડિયા ગામમાં તબાહી મચી ગઈ છે. સ્થાનિક વહેણના પાણી જડિયા ગામમાં ઘુસતા ગ્રામજનોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના પગલે 15થી વધુ પશુઓના મોત થયા છે. રાજસ્થાન અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને કરાણે ભાટીબનો સોલાર પ્લાન્ટ તબાહ થયો છે. બનાસકાંઠાના ભાટીબ ગામમાં જળબંબાકારની સ્થિતિ છે.
ભારે વરસાદને પગલે 10 ગામને જોડતો રસ્તો ધોવાઈ જતા વાહનવ્યવહાર ઠપ
બે દિવસથી બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે તો નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદ અને પવનના કારણે ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ આજે ધાનેરાના બાપલાથી કુંડી જતો રોડ ધોવાઈ ગયો છે. ભારે પાણીની આવકના કારણે રોડ તૂટી ગયો હતો. તમને જણાવી દઈએ કે, 10થી વધારે ગામડાંઓને જોડતો રોડ તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો છે.