(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: ગુજરાતમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ ?
ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાજન છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે.
ગાંધીનગર : ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાજન છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 2 દિવસ મેઘરાજા તોફાની બેટીંગ કરશે. ત્યારબાદ વરસાદ વિરામ લેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવાર સુધી મેઘરાજા મન મૂકીને વરસશે. બુધવારથી મેઘરાજા ખમૈયા કરશે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહી હતી. આવતીકાલે સોમવારે અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, પાટણ, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરામાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થશે.
વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી
રાજ્યભરમાં શ્રીકાર વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાનના અપડેટની વાત કરીએ તો ફરી હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
ગોંડલમાં ધોધમાર વરસાદ
ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોંડલમાં ધોધમાર 3 ઈચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી શહેરના રસ્તા પાણી પાણી થયા છે. અંડર પાસમાં કેડ સમાં પાણી ભરાયા છે. પાણી ભરાયેલ અંડરપાસમાં કાર ફસાઈ છે. ગોંડલ તાલુકાના કોલીથડ, બિલિયાળા, ભુણાવા, ભરૂડી, શાપર વેરાવળ, સડકપીપળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી છે. ધોધમાર વરસાદના પગલે હાઇવે પર વાહન ચાલકો લાઈટ ચાલુ કરી વાહન ચલાવવા મજબુર બન્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial