Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ, ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભરઉનાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ : ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભરઉનાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા સહિત 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે અહીં તૂટી પડશે ભારે વરસાદ
આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ- બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
આજે અનેક જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી જ અમદાવાદ, પાલનપુરની આસાપસના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે. અંબાજીમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. અંબાજીમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અંબાજી અને દાંતામાં વરસાદને કારણે મકાઈના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે.
પાલનપુર અને વડગામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત મેળવી છે. બનાસકાંઠાના ધાનેરાના સહિત અલગ-અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. બાપલા, વાછોલ અને કુંડી સહિતના ગામમાં કમોસમી વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. દાંતીવાડામાં ગરમી અને બફારા બાદ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો. ડીસા, અમીરગઢમાં ભારે પવન સાથે વરસાદથી વીજળી ગૂલ થતા જનજીવન પ્રભાવિત થયુ છે.
ધોધમાર વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 4 મે થી લઈને 8મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડશે. આ વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે નહિ, પરંતુ વીજળીના કડાકા ભડાકા અને ભારે આંધી-વંટોળ સાથે તોફાની બની શકે છે. અંબાલાલના જણાવ્યા અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે. 11 થી 20 મે દરમિયાન વંટોળ, આંધી સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે.





















