Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ: હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સમય દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિકસર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
ભારે વરસાદની આગાહીને પગલે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. આ સિસ્ટમને કારણે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
રાજ્યમાં 85 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ની યાદી મુજબ, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા, 20 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ એલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.





















