Gujarat Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજુલા, ખાંભા, જાફરાબાદ અને ઉનામાં વરસાદ
વામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

અમરેલી: હવામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે વરસાદ વરસ્યો હતો. જ્યારે ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉના શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
યલો એલર્ટ વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ખાપટ, વડવીયાળા, જરઘલી, ધોળીવાવ, જુડવડલી, રાતડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
રાજુલા, ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. રાજુલા, ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજુલા શહેરની સાથે જુની માંડરડી, ઝાપોદર, ધારેશ્વર, છતડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થય હતા. જાફરાબાદના ટીંબી, લોર, ફાચરીયા, માણસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
આ તરફ ખાંભા પંથકના નીગાલા, ભુંડણી, ત્રાકુડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિડ્રોઅલ લાઈન સક્રિય થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતના ક્ચ્છના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ છે.
ગુજરાતમાં 108 ટકા કરતાં વધારે વરસાદ
કચ્છ જિલ્લામાં સૌથી વધારે 136 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં 119 ટકા વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 110 ટકાથી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લી સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ 94 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં હજુ સુધી વરસાદની ઘટ છે.





















