Gujarat Rains: તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ
તાપી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

તાપી: તાપી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વ્યારા શહેરના તળાવ રોડ, માલીવાડ સહિતના વિસ્તારોમાં તો એટલી તિવ્રતા સાથે વરસાદ વરસ્યો કે વિઝિબિલિટી શૂન્ય સમાન થઈ ગઈ હતી. વિઝિલિબિટી ડાઉન થતા વાહન ચાલકોને પણ હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબુર થવુ પડ્યું હતું.
ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન
ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આહવામાં સવા ઈંચ, વઘઈમાં પોણા બે ઈંચ, સુબીરમાં દોઢ ઈંચ અને સાપુતારામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને લીધે રોડ-રસ્તા પાણી પાણી થયા હતા.
નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
બપોર બાદ નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. નવસારી શહેરના ડેપો, જુના થાના, સર્કિટ હાઉસ, તીઘરા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા.
આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં આ વર્ષે ધમાકેદાર ચોમાસાની શરુઆત થઈ છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વિરમગામમાં સૌથી વધારે 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે વિરમગામ શહેરની શેરીઓમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ગુજરાતમાં આજે રવિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વિરમગામ તાલુકામાં 3.11 ઈંચ નોંધાયો છે. મહેસાણાના કડીમાં 2.5 ઈંચ, સુરતના ઉમરપાડામાં પણ વધારે વરસાદ વરસ્યો છે.
વિરમગામમાં 3.11 ઇંચ, બાવળામાં 1.22 ઇંચ, દેત્રોજ-રામપુરામાં 0.98 ઇંચ, અમદાવાદ શહેરમાં 0.51 ઇંચ, માંડલમાં 0.35 ઇંચ, ધોળકામાં 0.28 ઇંચ અને સાણંદમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે જિલ્લાના અનેક ભાગોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહેસાણાના કડીમાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો છે.
ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.




















