Gujarat Rains: અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા: હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરની સાથે કાંકણોલ, પીપળીકંપા, ભોલેશ્વર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે. આ તરફ તલોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.
તલોદના વક્તાપુર, મહિયલ, ખેરોલ, ઉજેડીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા મગફળી, ડાંગર સહિતના પાકને ફાયદો થશે. સાર વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. ધનસુરામાં એક કલાકમાં ધોધમાર એક ઈંચ વરસાદ વરસતા રોડ-રસ્તા જળબંબાકાર થયા. જવાહર બજારમાં ઘુંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ધોધમાર વરસાદથી ધનસુરાના અમૃત સરોવરમાં નવા નીરની આવક થઈ હતી.
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બાયડમાં સમી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આજે ચાર જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ
આજે ચાર જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ જેટલો અને ધરમપૂર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.





















