Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મન મૂકીને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.
ગીર સોમનાથ: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મન મૂકીને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. તાલાલા ગીર અને સુત્રાપાડાના ગ્રામ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. સુત્રાપાડાના જમાલપરા, ભૂવાવડા, ગીર વિઠ્ઠલપુર, વડાલા અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. અંદાજે બે ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનના પ્રથમ વરસાદથી વોકળામાં પાણી વહેતા થયા હતા. જમાલપરા નજીક વોકળામાં પુર આવ્યું હતું. બીજી તરફ ખેતરો પાણીથી તરબોળ થયા છે. ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી.
તાલાલાના પીખોર ગામે ભારે પવન સાથે મુશધાર વરસાદ વરસ્યો છે. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ બાઈક પર પટકાતા બાઈકને નુકસાન થયું છે. ધોધમાર વરસાદ બાદ વરસાદે વિરામ લીધો હતો.
કોડીનાર તાલુકાના ડોળાસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. હાલ વરસાદે વિરામ લીધો છે. વરસાદના કારણે કોડીનારના ખેડૂતો ખુશખુશાલ થયા છે.
જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ
જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વંથલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોને ગરમીથી રાહત મળી છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડાલ, બામણગામ, સુખપુર, કાથરોટા ગામમાં વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે.
જૂનાગઢ શહેરમાં વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. સાબલપૂર, ઝાંઝરડા રોડ, મધુરમ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાતવરણમાં ઠંડડ જોવા મળી હતી.
ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.