રાજ્યના 194થી વધુ તાલુકામાં મેઘમહેર, જૂનાગઢના માંગરોળમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર
સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સુરેંદ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લામાં પણ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
લાંબા વિરામ બાદ બુધવારે રાજ્યના 194થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે બુધવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જૂનાગઢના માંગરોળમાં તો 12 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં પણ સતત વરસાદ ચાલુ રહેતા બુધવારે સાંજના છ વાગ્યા સુધીમાં 36 કલાકમાં 19 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વાપીરમાં પણ 36 કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો તાલાલામાં સાડા છ ઈંચ, ઉના અને કેશોદમાં પાંચ પાંચ ઈંચ. તો વિસાવદરમાં પણ ધોધમાર પાંચ ઈચ જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. આ સિવાય ખંભાળીયા, કલ્યાણપુર, ગીર ગઢડા, વેરાવળ, ચોટીલા, અને ગોંડલ તાલુકામાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી હતી.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સુરેંદ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લામાં પણ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ સોરઠ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો હતો. જેમાં માંગરોળમાં 12 ઈંચ, ગડુ-માળીયામાં આઠ ઈંચ, તાલાલામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે હાઈવે પર પાણી ભરાયા તો સ્થાનિક નદી-નાળામાં પણ નવા નીર આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે. જેમાં વલસાડના ઉમરગામમાં બુધવારે પણ આઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો વાપીમાં પાંચ ઈંચ જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં સતત બીજા દિવસે આઠ ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. બીજી તરફ જંગલ વિસ્તાર ધરમપુર, કપરાડામાં પણ ખુબ જ ઓછો વરસાદ નોંધાઈ રહ્યો છે. જ્યારે સુરત જિલ્લામાં પણ ચોર્યાસી, માંગરોલ તો તાપી, નવસારી, ડાંગ, જલાલપોર, ગણદેવી, નિઝર, કુકરમુંડામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.