મોડાસાઃ પિતાએ 3 સંતાનોની હત્યા કરી ડેમમાં લાશો ફેંકી, સગર્ભા પત્નિને કુહાડીના ઘા ઝીંકી કરી ઘાયલ, કારણ જાણીને લાગી જશે આઘાત
અરવલ્લી જિલ્લાના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે
મોડાસાઃ પિતાએ 3 સંતાનોની હત્યા કરી ડેમમાં લાશો ફેંકી, સગર્ભા પત્નિને કુહાડીના ઘા ઝીંકી કરી ઘાયલ, કારણ જાણીને લાગી જશે આઘાત
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળવાને મુદ્દે બહુ મોટો ધડાકો થયો છે. આ ત્રણેય બાળકોની હત્યા તેના પિતાએ જ કરી નાંખી હતી. આ હત્યાનું કારણ અત્યંત આઘાતજનક છે અને અંધશ્રધ્ધા સાથે જોડાયેલું છે. ત્રણ બાળકોના હત્યારા પિતાને પોતાની પત્નિ ડાકણ હોવાની શંકા હતી તેથી તેણે ત્રણેય સંતાનોની હત્યા કરી દીધી હતી. એ પછી તેણે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પણ તેને બચાવી લેવાયો છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વૈડી ડેમમાંથી ત્રણ બાળકોની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં મળી આવેલી 3 બાળકોની લાશોની ઓળખ થઈ હતી અને મૃતક બાળકો સગાં ભાઈ બહેન હોવાનું બહાર આવ્યું હતું. આ બાળકોની ઓળખ 9 વર્ષીય જિનલબેન,7 વર્ષીય હાર્દીક અને 2 વર્ષીય સોનલ તરીકે થઈ હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, પિતા જીવાભાઈ કચરા ભાઈ ડેડુને જ 9 વર્ષીય જિનલબેન,7 વર્ષીય હાર્દીક અને 2 વર્ષીય સોનલની હત્યા કરી નાખીને તેમને વૈડી ડેમમાં 2 દિવસ પહેલાં નાખી દીધા હતા. આ ઉપરાંત 9 માસનો ગર્ભ ધરાવતી પત્ની જીવીબેન પણ ડાકણ હોવાના વહેમમાં જીવાભાઈએ પત્નીને પણ કુહાડીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ મહિલા જીવીબેનને હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. જીવીબેનના પિતાએ રમાડ ગામના જીવાભાઈ કચરા ભાઈ ડેડુંન સામે ફરિયાદ નોંધાવી. ઇસરી પોલીસે ઇપીકો 302,307,મુજબ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
ડેમમાંથી મળેલી બાળકોની લાશોને પીએમ માટે લઈ જવામાં આવી પછી મૃત્યુ પામનાર ત્રણ બાળકોના પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ઝાડ ઉપર લટકી આપઘાત કરતા પિતાને બચાવી લેવાયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અઠવાડિયા પહેલાં પતિ અને પત્ની વચ્ચે ઘરકંકાસ થયો હતો અને એ પછી ઉશ્કેરાઈને પિતાએ હત્યા કરી નાંખી હતી.