રાજ્યના અનેક શહેરમાં રન ફોર યુનિટી, લોકોએ દોડમાં ભાગ લઈ એકતાનો સંદેશ આપ્યો
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દોડ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખે એકતા દોડનો કરાવ્યો પ્રારંભ
Run for Unity: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને લઈ આજે રાજ્યના અનેક શહેરોમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટી યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે લીલીઝંડી આપી 4.2 કિમી લાંબી દોડનો પ્રારંભ કરાવ્યો હતો. 7 હજાર જેટલા લોકોએ દોડમાં ભાગ લઈ એકતાનો સંદેશ આપ્યો હતો.
તો આ તરફ ગાંધીનગરમાં પાંચ કિલોમીટર દોડ યોજાઈ. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રન ફોર યુનિટીમાં સામેલ થયા હતા. યુવા આઈકોન બનેલા હર્ષ સંઘવીનાં નેતૃત્વમાં રન ફોર યુનિટીમાં હજારો યુવક યુવતીઓએ ભાગ લીધો હતો.
વડોદરાના કીર્તિ સ્તંભથી સયાજીગંજના સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી અંદાજે 8 કિલોમીટરની રન ફોર યુનિટીને સાંસદ અને મેયરે લીલીઝંડી આપી હતી. રન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા તો સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર પિન્કીબેન સોનીએ તમામનો ઉત્સાહ વધાર્યો હતો. સુરતમાં પણ રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે. જેમાં પોલીસ કર્મી, મનપા કર્મી સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરગમ સર્કલ સુધી દોડમાં એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
લોખંડી પુરૂષ સરદાર પટેલની 148મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સુરક્ષા દળોએ પરેડનું પ્રદર્શન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે પછી તેમણે 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર જનતાને શપથ લેવડાવ્યા અને સુરક્ષા દળોની શુભેચ્છાઓ સ્વીકારી.
ગુજરાતના એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં CRPFની મહિલા બાઈકર્સે અદભૂત પ્રદર્શન કર્યું.
કેવડિયામાં વડાપ્રધાન રૂ. 160 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમાં એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેન, નર્મદા આરતી લાઈવ માટેનો પ્રોજેક્ટ, કમલમ પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની અંદર એક વોક-વે, 30 નવી ઈ-બસ, 210 ઈ-સાઈકલ અને અનેક ગોલ્ફ કાર્ટ, એકતા નગરનો સમાવેશ થાય છે. શહેર ગેસ વિતરણ નેટવર્ક અને ગુજરાત રાજ્ય સહકારી બેંકના 'સહકાર ભવન' સંબંધિત પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન કેવડિયા ખાતે સોલાર પેનલવાળી ટ્રોમા સેન્ટર અને પેટા જિલ્લા હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે.