Patan: પાટણના બાલીસણામાં સરદાર પટેલની ભવ્ય પ્રતિમાનું અનાવરણ, એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલની ખાસ ઉપસ્થિતિ
Sardar Patel Birth Anniversary: સરદાર એક વ્યક્તિત્વ અનેક એમ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નથી. 31, ઓક્ટોબર - 1875ના રોજ પાટીદાર પરિવારમાં જન્મેલા વલ્લભભાઈ પટેલ ખરાં અર્થમાં ભારત નિર્માતા બની રહ્યા
Sardar Patel Birth Anniversary: દેશ આજે ભારતના શિલ્પી, ભારત રત્ન, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મ જયંતિ મનાવી રહ્યો છે. ત્યારે ગુજરાતના પાટણ જિલ્લામાં લોખંડી પુરુષની પ્રતિમાનું અનાવરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પાટણના બાલીસણા ગામે અંખડ, સ્વતંત્ર ભારતના ઘડવેયા સરદાર પટેલની પ્રતિમાને ખુલ્લી મુકાઈ હતી, આ પ્રસંગે પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભી, કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ ABP અસ્મિતા ન્યૂઝ ચેનલના એડિટર રોનક પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
દેશભરમાં આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ મનાવાઇ રહી છે. સરદાર વલ્લભભાઈની જ્યંતી નિમિતે આજે પાટણ જિલ્લાના બાલીસણા ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ. બાલીસણાના સરદાર ચોક ખાતે નવીન પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભી, કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ ABP અસ્મિતા ન્યૂઝ ચેનલના એડિટર રોનક પટેલ ઉપસ્થિત રહ્યાં હતા, આ ઉપરાંત બાલીસણામાં પાટીદાર સમાજનાં આગવેનાઓ, મહિલાઓ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાઇને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લોખંડી પુરૂષ સરદાર પટેલ વિશે...
સરદાર એક વ્યક્તિત્વ અનેક એમ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નથી. 31, ઓક્ટોબર - 1875ના રોજ પાટીદાર પરિવારમાં જન્મેલા વલ્લભભાઈ પટેલ ખરાં અર્થમાં ભારત નિર્માતા બની રહ્યા. રાજકીય, ખેડૂત અને સામાજિક નેતા સરદાર પટેલે આજીવન મહાત્મા ગાંધીના સાથી રહ્યા. અનેક વિરોધ હોવા છતાં સરદાર પટેલે ગાંધીજીનો સાથ ક્યારેય ના છોડ્યો. સ્વતંત્ર સંગ્રામમાં અગ્રણી, બારડોલી અને ખેડાના ખેડૂત સત્યાગ્રહના સારથી અને અખંડ ભારતના શિલ્પી તરીકે વલ્લભભાઇ પટેલને તમામ દેશવાસીઓ સરદાર તરીકે ઓળખે છે.
દેશની અખંડતા અને એકતા માટે દ્રઢ મનોબળ દાખવનારા સરદાર પટેલને ઈતિહાસ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખે છે. મૂળે વકીલ સરદાર પટેલ અમદાવાદ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ દરમિયાન ગાંધીજીથી પ્રભાવિત બની અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય બન્યા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. 1942ની હિંદ છોડો લડતમાં સરદાર પટેલે સક્રિય ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી હતાં.
ભારતની આઝાદી સમયે હિંદુ-મુસ્લિમ તોફાનો અને ભારત-પાકિસ્તાનના ભાગલાથી સમગ્ર ઉપખંડમાં હિંસાનું વાતાવરણ હતુ. આ સમયે દેશમાં એકતા અને શાંતિની સ્થાપના કરવામાં સરદાર પટેલની ઐતિહાસિક ભૂમિકા રહી હતી. વિશેષ તો દેશના રજવાડાને સંગઠિત કરી ભારતના નિર્માણ માટે સરદાર પટેલે પાયાની ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યોએ જ્યારે ભારત સાથે જોડાવા માટે નનૈયા ભણ્યો ત્યારે સરદાર પટેલની કૂનેહ અને ત્વરિત નિર્ણય શક્તિ ભારતને એકસૂત્રતામાં બાંધ્યો. દેશના 565 રજવાડા-રિયાસતોને એક સૂત્રતાના ઘાગે બાંધી આજના ભારતનું નિર્માણનો શ્રેય સરદાર પટેલને જાય છે. આ સાથે પાકિસ્તાનના પંજાબથી આવતા હિંદુ નિરાશ્રિતોને આશ્રય આપવા માટે સરદાર પટેલે સિમાચિન્હ કાર્ય કર્યું છે. સરદાર પટેલે દેશને વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે ઓલ ઇન્ડિયા સર્વિસ કે જે ભારતીય સનદી સેવા તરીકે ઓળખાય છે તેની રચના પણ કરી છે.