શોધખોળ કરો
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની સી-પ્લેન સેવા ફરી સ્થગિત, જાણો કેમ ફરી માલદિવ્સ મોકલાયું
સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા સ્પાઇસ શટલ સી પ્લેન ટ્વીન ઓટ્ટર ૩૦૦ સિરિઝનું ૧૯ સીટર બીચ એરક્રાફ્ટ જે માલદિવિયન કંપનીના નામથી રજિસ્ટર્ડ છે .

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેની સી-પ્લેન સેવા ફરીથી ખોરવાઈ છે. યાંત્રિક ખામીને દુર કરવા માટે એક જ મહિનાની અંદર બીજી વખત સી-પ્લેનને સર્વિસ માટે માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. જેને લીધે હાલ તો સી-પ્લેનની સેવા થોડા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં સી-પ્લેનના મેઇન્ટેનન્સ માટેની વ્યવસ્થા ન હોવાથી ત્રણ મહિનામાં બે વખત સી-પ્લેનને માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. આ અંગે સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું છે કે સી-પ્લેનને મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવ્યું છે અને ટુંક સમયમાં જ મુસાફરો માટે સી-પ્લેનની સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રની ઉડાન યોજના હેઠળ સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન ગત વર્ષે ૩૧ ઓક્ટોબરના સરદાર પટેલ જ્યંતિ નિમિત્તે કરવામાં આવ્યુ હતુ. ૨૮ દિવસ બાદ મેઇન્ટેન્ટસ ખાતે પરત માલદિવ્સ ખાતે મોકલાતા તમામ ઓપરેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. મેઇન્ટેનન્સમાંથી પરત આ એરક્રાફ્ટ આવ્યા બાદ ૨૭ ડિસેમ્બરથી આ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા સ્પાઇસ શટલ સી પ્લેન ટ્વીન ઓટ્ટર ૩૦૦ સિરિઝનું ૧૯ સીટર બીચ એરક્રાફ્ટ જે માલદિવિયન કંપનીના નામથી રજિસ્ટર્ડ છે . ૫૦ વર્ષ જૂના એરક્રાફ્ટને કેન્દ્ર સરકારે લીઝ કોન્ટ્રાક્ટ પર લીધેલુ છે.
વધુ વાંચો





















