કચ્છમાં પાકિસ્તાનના છ ડ્રોન તોડી પડાયા, ભુજ શહેરમાં તમામ વેપાર ધંધા બંધ
પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, અમૃતસર, રાજસ્થાન અને ગુજરાતના સરહદી શહેરોને નિશાન બનાવી રહ્યું છે

ભારતના લશ્કરી 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, અમૃતસર, રાજસ્થાન અને ગુજરાતના સરહદી શહેરોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં 26 સ્થળોએ હુમલો કર્યો હતો.
કચ્છમાં પાકિસ્તાને ડ્રોનથી કર્યા હુમલા
પાકિસ્તાને કચ્છ પર ડ્રોન હુમલાઓ કર્યા હતા. ભારતીય સેનાએ કચ્છમાં પાકિસ્તાનના છ ડ્રોન તોડી પાડ્યા હતા. વાયુસેનાએ ભૂજ પાસે બે પાક. ડ્રોન તોડી પાડ્યા હતા. જ્યારે નલિયા પાસે ચાર પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં ડ્રોનના અનેક હુમલાઓ નિષ્ફળ કરાયા હતા. સરહદી વિસ્તાર જ નહી પરંતુ ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. પાકિસ્તાની ડ્રોન ગાંધીધામ સુધી પહોંચ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં વધારાનો બંદોબસ્ત કરાયો હતો. ભુજ, ગાંધીધામના અનેક રસ્તાઓ પર બેરીકેટ લગાવાયા હતા.
આદિપુરમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. તે સિવાય અબડાસામાં જોવા મળેલું પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. કચ્છ કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી. ભૂજમાં મોટાભાગના વિસ્તારોમાં વાહન વ્યવહાર બંધ કરાયો. નખત્રાણા, લખપત, નલિયા વિસ્તારમાં સુરક્ષા વધારાઈ હતી.
ભુજ શહેરમાં ઈમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ કરાયો હતો. કરછ કલેક્ટર દ્વારા તમામ જનતાને આદેશ અપાયો હતો. ભુજ શહેરમાં તમામ વેપાર ધંધા બંધ કરાયા હતા. લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરાઇ હતી. કામ સિવાય ઘરની બહાર ના નીકળવા માટે પણ અપીલ કરાઇ હતી.
અમૃતસરમાં પાકિસ્તાને કર્યો ડ્રોન હુમલાનો પ્રયાસ
અમૃતસરમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. અમૃતસરના ડેપ્યુટી કમિશનરે સોશલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે અમૃતસરમાં લોકોને ઘરમાં જ રહેવા સૂચના આપવામા આવે છે. અમૃતસરમાં લોકોને ઘરની બારીથી દૂર રહેવા અપીલ કરાઇ છે. તેમણે લોકોને કહ્યું કે શાંત રહો અને ગભરાશો નહીં.
જમ્મુ, રાજૌરી, પઠાણકોટ... પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા
શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ, સાંબા, પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાનો યોગ્ય જવાબ આપી રહી છે. ભારતે ઘણા પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા છે. ભયને ધ્યાનમાં રાખીને ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાયરન વાગ્યું અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો.




















