ધોરણ-10માં હવે ગણિતના બે અલગ-અલગ પેપરની પરીક્ષા હશે, જાણો ક્યા વિદ્યાર્થીઓને થશે લાભ
બોર્ડ પરીક્ષાના ફોર્મમાં બંને પેપરના વિકલ્પ અપાશે. ઉપરાંત બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર પરિરૃપ અલગ અલગ રહેશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષયની પરિક્ષા માટે બે વિકલ્પ આપવામાં આવશે. જેમાં એક સ્ટાન્ડર્ડ ગણિત અને બીજો બેઝિક ગણિતનો વિકલ્પ આપવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડના આ નિર્ણયથી ગણિતમાં નબળા વિદ્યાર્થીઓને થશે ફાયદો.
આ સાથે વિજ્ઞાન પ્રવાહમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પણ થશે લાભ. ધોરણ 10માં ગણિત વિષયનું પુસ્તક એક સરખુ જ રહેશે અને શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં કોઈ જ ફેરફાર નહીં થાય. જોકે બોર્ડની પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
સાયન્સ ન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકશે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરશે તે ધોરણ 11માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકશે.
બોર્ડ પરીક્ષાના ફોર્મમાં બંને પેપરના વિકલ્પ અપાશે. ઉપરાંત બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર પરિરૃપ અલગ અલગ રહેશે. બંને પ્રકારના પરિરૃપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવામા આવશે.
જે વિદ્યાર્થી ધો.૧૦માં ગણિત સ્ટાન્ડર્ડ રાખશે તે વિદ્યાર્થી ધો.૧૧ સાયન્સમાં અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. જ્યારે બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીને સાયન્સમાં પ્રવેશ મળશે નહીં.
ધો.૧૦માં ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થનાર વિદ્યાર્થી પુરક પરીક્ષાના નિયમોને આધિન ફરીથી ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક વિકલ્પ પસંદ કરી પુરક પરીક્ષા આપી શકશે.
ધો.૧૦માં ગણિત બેઝિકમા પાસ થનાર વિદ્યાર્થી જો ધો.૧૧માં વિજ્ઞાાન પ્રવાહ એટલે કે સાયન્સ સ્ટ્રીમમાં જવા માંગે તો તેણે જુલાઈ માસની પુરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરવાની રહેશે અને જેના આધારે તે ધો.૧૧ સાયન્સમાં જઈ શકશે. સ્કૂલોને આ બંને પ્રકારના ગણિત અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને પુરેપુરી સમજ આપવા પણ આદેશ કરવામા આવ્યો છે.