હડતાળ પર ગયેલા રેસિડેન્ટ તબીબો ફરજ પર ફરશે પરત, આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક બાદ નિર્ણય
મેડિકલ સુપ્રીટેંડંટ અને કોલેજના ડિને અસ્પષ્ટતા દુર કરી હોવાનો પણ રેસિડેંટ તબીબોએ સ્વીકાર કર્યો છે.
છેલ્લા સાત દિવસથી રેસિડેંટ તબીબોની હડતાળને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલ સાથે થયેલી આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક બાદ JDAએ નિર્ણય લીધો છે કે હડતાળ પર ગયેલા રેસિડેંટ તબીબો ફરીથી ફરજ પર હાજર થશે. તમામ તબીબો કોવિડ ડ્યુટીમાં અને ઈમરજંસી સાથે OPDમાં ફરજ પર પરત ફરશે. જો કે આજે રેસિડેંટ તબીબો આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી શકે છે.
મેડિકલ સુપ્રીટેંડંટ અને કોલેજના ડિને અસ્પષ્ટતા દુર કરી હોવાનો પણ રેસિડેંટ તબીબોએ સ્વીકાર કર્યો છે. જો કે આરોગ્ય વિભાગ લેખિતમાં બાંહેધરી નહી આપે ત્યાં સુધી માગ ચાલુ રહેશે તેવુ રેસિડેંટ તબીબોએ જણાવ્યું છે.
મુખ્યમંત્રીનો ખેડૂતોના હિતમાં નિર્ણય
રાજ્યમાં વરસાદ ખેંચાતા અને અપેક્ષા કરતા માંડ ત્રીજા ભાગનો વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે પાંચ લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ 30 સપ્ટેમ્બર સુધી લોકો માટે પીવાનું પાણી રિઝર્વ રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે ફાળવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશો આપ્યા છે કે રાજ્યના જળાશયોમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ધરતીપુત્રોના ઉભા પાકને બચાવવા માટે તાત્કાલિક અસરથી છોડી દો. તેનો લાભ સમગ્ર રાજ્યના પાંચ લાખ હેક્ટર જમીન વિસ્તારને મળતો થશે. સૌરાષ્ટ્ર વિસ્તારના 141 ડેમ પૈકી 88 જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની 60 હજાર હેક્ટર જમીનને, તો ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમનું પાણી 15 હજાર હેક્ટરને સિંચાઈ માટે મળતુ થશે.
મધ્ય ગુજરાતના કડાણા જળાશયમાંથી મહિ કમાંડને છ હજાર ક્યુસેક પાણી સિંચાઈ માટે પુરૂ પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના 11 જળાશયોમાંથી બે લાખ 10 હજાર હેક્ટરને સિંચાઈ માટે પાણીઅપાશે. દક્ષિણ ગુજરાત વિસ્તારના છ જળાશયોમાંથી આપવામાં આવનારા પાણીથી આ વિસ્તારની એક લાખ 90 હજાર હેક્ટર જમીનનેસિંચાઈના પાણીની સવલતનો ફાયદો થશે.
મુખ્યમંત્રીએ અગાઉ જુલાઈ મહિનામાં ખેડૂતોને આઠને બદલે દસ કલાક વીજળી આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે. ત્યારે હવે વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતિમાં તેમણે રાજ્યના જળાશયોમાં 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઈ માટે આપવાનો વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કર્યો છે