Support Price: આજથી રાજ્યમાં ટેકના ભાવથી કૃષિ જણસની ખરીદી શરૂ, જાણો કેટલા ખેડૂતોએ કરાવ્યુ છે રજિસ્ટ્રેશન ?
રાજ્યમાં આજથી ખેડૂતો માટે ટેકાના ભાવથી ખરીદી શરૂ થઇ રહી છે, રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટમાંથી રાજ્યવ્યાપી ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવશે
Support Price Buying News: રાજ્યમાં આજથી ખેડૂતો માટે ટેકાના ભાવથી ખરીદી શરૂ થઇ રહી છે, રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટમાંથી રાજ્યવ્યાપી ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવશે, રાજ્યમાં ખેડૂતોને મગફળી, અડદ, મગ, સોયાબીન વગેરે જણસની ખરીદીમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
આજથી ગુજરાતમાં મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવથી વિવિધ કૃષિ જણસોની ખરીદી શરૂ કરાવવામાં આવશે. રાજ્યમાં આજે ટેકાના ભાવથી ખેડૂતોનો જણસની ખરીદી થશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવની ખરીદીનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં રાજકોટથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ખરીદી શરૂ કરાવશે, મગફળી, અડદ, મગ અને સોયાબીનની રાજ્યવ્યાપી ખરીદી થશે. રાજકોટના જૂના યાર્ડથીથી ખરીદી થશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના આ ખાલ પ્રયાસો છે. રાજકોટમાં આ પ્રસંગે રાજકોટ જિલ્લાના સહકારી અને ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં.
રાજ્યમાં ટેકાના ભાવથી ખરીદીને લઇને રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. આ વખતે 35585 ખેડૂતોએ મગફળીની નોંધણી કરાવી છે. હાલમાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા હોવાના કારણે ટેકા ભાવે રજિસ્ટ્રેશન ઓછું થયું છે. નોંધણીની મુદત પણ અમે વધારી દીધી છે. કોઈપણ વસ્તુઓનો ભાવ તેની માગના પ્રમાણમાં હોય છે.
રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવને લઈને મોદી સરકારે કરી મોટી જાહેરાત
ધરતીપુત્રોના હિતને લઈને ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૨ થી ૭ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૫૦ પ્રતિ ક્વિ., ચણામાં રૂ. ૧૦૫ પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. ૨૦૦ પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.
રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ ૨૦૨૩-૨૪માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. ૨૨૭૫ પ્રતિ ક્વિ., જવ માટે રૂ. ૧૮૫૦ પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિ., મસૂર માટે રૂ. ૬૪૨૫ પ્રતિ ક્વિ., રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. અને કસુમ્બી માટે રૂ. ૫૮૦૦ પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. ૧૦૫ થી રૂ. ૪૨૫ પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૨૫-૦૯-૨૦૨૩ થી તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.