Surendranagar: સુરેન્દ્રનગરને મનપા બનાવવા સામે વિરોધ, વિશ્વાસમાં લીધા વગર ઠરાવ કર્યાનો આરોપ
Surendranagar:સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે
Surendranagar:રાજ્ય સરકારે સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જો કે, આ જાહેરાતની સાથે જ વિરોધ પણ શરૂ થયો છે. સુરેન્દ્રનગર શહેર આસપાસના 11 ગામોને મહાનગરપાલિકામાં ભેળવવાના ઠરાવ મામલે તમામ 11 ગામોના સંરપંચે વિરોધ કર્યો છે. સરપંચોનો આરોપ છે કે, તેમને અને ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના જ સુરેન્દ્રનગર પાલિકાએ સીધો જ ઠરાવ કરી દીધો છે.
સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને આસપાસનાં ૧૧ ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા અંગે પાલિકા તંત્ર દ્વારા ઠરાવ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે ગામોનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે તે તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવતા મહાનગરપાલિકાનું કોકડુ ગુંચવાયુ છે.
આ મહાનગરપાલિકા બનાવવામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે કારણ કે મહાનગરપાલિકા બનાવવા માટે સુરેન્દ્રનગર શહેરની આસપાસનાં જે ૧૧ ગામોનો સમાવેશ કરવાની તંત્રએ જાહેરાત કરી છે તે તમામ ગામોના સરપંચ દ્વારા મહાનગરપાલિકા સમાવેશ થવાનો ઇનકાર કરી દીધો છે. ખમીયાણા, માળોદ, રાજપર, શેખપર, ખેરાળી, મુળચંદ અને બાકરથળી સહીતના ગામોના સરપંચ એકઠા થયા હતા અને આ નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા સરપંચોને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને હવે તંત્ર દ્વારા સરપંચોને ગ્રામસભા બોલાવી ઠરાવ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે જેને લઇને સરપંચ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે
મહાનગરપાલિકામાં ગામડાઓ ભેળવવાથી ગામડાઓમાં સુવિધાઓ મળવાના બદલે વેરાનું ભારણ વધશે જેને લઇને સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે સરપંચો કોઇ પણ સંજોગોમાં મહાનગરપાલિકામાં સમાવેશ થવાનો ઇનકાર કરી દેતા સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું કોકડુ શરૂઆતમાં જ ગુંચવાયું છે ત્યારે આ મામલે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું.