તાપીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે પૂછવામાં આવતા સીઆર પાટીલ રહ્યા મૌન
તાપીના વ્યારામાં ભાજપનો યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા.
તાપીઃ તાપીના વ્યારામાં ભાજપનો યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા. પ્રભારી મંત્રી, સાંસદ અને ધારાસભ્ય હાજર રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તાપી જિલ્લાના 130 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા.
વ્યારા બેઠક પર ભાજપની જીત થશે તેવો સી.આર પાટીલે હુંકાર કર્યો હતો. સાથે જ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તાપી પાર નર્મદા લિંક મુદ્દે કોંગ્રેસ લોકોને ઉશ્કેરે છે. સાથે જ કહ્યું કે અધિકારીઓ કોઈ જગ્યાએ કનડગત કરતા હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિનો સંપર્ક કરજો. તમારો અધિકાર કોઈ છીનવી શકે નહીં.
આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઇને સી.આર પાટીલને સવાલ કરવામાં આવતા તેઓ મૌન રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા સી.આર પાટીલે કહ્યુ કે વ્યારા ધારાસભાને પોતાની જાગીર સમજતા કોંગ્રેસના નેતાઓ સાંભળી લે કે વ્યારાની સીટ ભાજપ જીતશે. ગુજરાતના લોકો હોશિયાર છે અને કોંગ્રેસને ગુજરાતમાં ઘૂસવા દીધી નથી. વ્યારા સુગર ફેકટરી માટે બધાએ રજૂઆત કરી એના માટે 30 કરોડની જોગવાઈ માટે મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને વિનંતી કરી મંજૂર કરાવ્યા છે.