દ્વારકાધીશ મંદિર ત્રણ દિવસ સુધી રહેશે બંધ, જાણો કઈ તારીખે દર્શન માટે જશો તો ધક્કો પડશે
આ ઉત્સવમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટે છે.
ફૂલડોલ મહોત્સવને ધ્યાનમાં રાખીને આગામી 27,28 અને 29 માર્ચ એમ ત્રણ દિવસ દ્વારકા જગત મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં મળે. હોળી પર્વ પર દ્વારકા મંદિરમાં ફુલડોલ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
આ ઉત્સવમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે ફૂલડોલ મહોત્સવ સાદાઈથી ઉજવણી કરવામાં આવશે અને મંદિરમાં સોશલ ડિસ્ટંસના નિયમનો ભંગ ન થાય એ માટે ભક્તોને 27, 28 અને 29 માર્ચ એમ ત્રણ દિવસ પ્રવેશ આપવામાં આવશે નહીં.
હાલ છેલ્લા એકાદ વર્ષથી ફેલાયેલી કોરોના મહામારીના કારણે સુવિખ્યાત ડાકોર, ભવનાથ મંદિર, જૂનાગઢ ખાતે યાત્રીકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર તથા જિલ્લા કલેકટર દ્વારા સ્થાનિક પૂજારીઓ, અગ્રણીઓ તથા પોલીસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર સાથે તમામ બાબતે ચર્ચા-વિચારણા કરી, આગામી તારીખ ૨૭, ૨૮, ૨૯ માર્ચ દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી પ્રસંગે યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુદા જુદા પ્રાંત તથા વિસ્તારોમાંથી કાળીયા ઠાકોરના દર્શનાર્થે ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે પદયાત્રા કરીને આવતા કૃષ્ણ ભક્તો માટે સમગ્ર પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો ધમધમે છે. જે આ વખતે બંધ રહેશે.
કોરોના વાયરસે ગુજરાતમાં ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા છે જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4416 લોકોના કોરોનાથી મોત થયા છે. ચૂંટણીઓ બાદ ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. રૂપાણી સરકાર ભલે સબ સલામતના દાવાઓ કરે પણ કેસો વધ્યા છે એ વાસ્તવિકતા છે. રાજ્યમાં અત્યાર સુધી 266313 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.22 ટકા પર પહોંચ્યો છે. હાલ 3212 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3171 લોકો સ્ટેબલ છે. સરકાર આ આંકડાઓ સુધરે એ માટે પ્રયાસો કરી રહી છે.