કોઈપણ જાતનો માથાનો દુખાવો મટાડવો છે તો કરો અહીં દર્શન
સૌરાષ્ટ્રના વાંકાનેરની રતન ટેકરી પર બિરાજતા સ્વયંભુ જડેશ્વર મહાદેવનું મંદિરનો ઇતિહાસ જાણીએ
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના દિવસે રાજ્યમાં મહાદેવજીના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો વહેલી સવારથી દર્શન માટે ઉમટ્યા હતા. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે આપણે સૌરાષ્ટ્રના વાંકાનેરની રતન ટેકરી પર બિરાજતા સ્વયંભુ જડેશ્વર મહાદેવનું મંદિરનો ઇતિહાસ જાણીએ. જડેશ્વર મહાદેવ મંદિરના એક વખત દર્શન માત્રથી જીવનની તમામ ઉપાધિઓમાંથી મુક્ત થઇ જવાની આસ્થા આજે પણ અડીખમ છે. વાંકાનેરની રતન ટેકરી પર સ્વયંભૂ જડેશ્વર મહાદેવ બિરાજમાન છે. મહાદેવનું મંદિર મોરબીથી આશરે 20 કિલોમીટર અને વાંકાનેરથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. લોકવાયકા એવી છે કે આ મંદિર માથાનો દુખાવો થતો હોય તો તેમાંથી રાહત આપવા માટે પણ જાણીતું છે.
ક્ચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવીને હાલારમાં પોતાનું રાજ્ય સ્થાપનાર જામનગરના પ્રથમ રાજવી જામ રાવળને માથાનો અસહ્ય દુઃખાવો રહેતો હતો. અનેક વૈધો, હકીમો પાસે ઉપચાર કરાવ્યા બાદ અને જંત્ર-મંત્રની ક્રિયાઓ કરાવ્યા છતાં માથાનો દુઃખાવો મટતો નહોતો. રાજવી જામ રાવળને કોઇએ કહ્યું કે ધ્રોલના પંજુ ભટ્ટ નામના એક ત્રિકાળદર્શી બ્રાહ્મણ માથું દુખાવાનું સાચું કારણ જણાવશે એટલે પંજુ ભટ્ટને જામનગર બોલાવી જામ રાવળે પોતાનું માથું દુખ્યા કરતું હોવાનો પ્રશ્ન કરી તેનો જવાબ પૂછ્યો હતો. પંજુ ભટ્ટ વિદ્વાન અને સારસ્વત બ્રાહ્મણ હતા. એ સમયના અનેક રાજાઓ તેમનું સન્માન કરતા હતા. પંજુ ભટ્ટે જામ રાવળની કુંડળી જોઇને કહયુ કે અહીંથી પૂર્વમાં આશરે ૨૫-૩૦ ગાઉ ઉપર જંગલમાં એક મોટી ટેકરી આવેલી છે. ત્યાં ઉપર અરણી ઝાડ છે. તેમાં પવનના કારણે ઝાડને આંચકો લાગે છે ત્યારે તમારા માથામાં દુખાવો રહે છે. જો તે બંધ થઇ જાય તો દુખાવો બંધ થઇ જાય છે.
પંજુ ભટ્ટની વાત સાંભળી સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા અને અસંભવ લાગતી વાતને સત્ય જાણવા માટે તમામ લોકો ટેકરી પર પહોંચ્યા હતા. ટેકરી પર તમામને અરણીનું ઝાડ દેખાયું હતું એ વખતે પવન ધીમો હોવાની જામ રાવળના માથામાં દુખાવો ઓછો હતો. આ વાતની ખાતરી પુરવા માટે અરણીના ઝાડની ડાળને જોરથી હલાવવામાં આવી જેથી જામ રાવળને ખૂબ દુખાવો ઉપડ્યો. પંજુ ભટ્ટની વાતની ખાતરી થઇ જતા રાજવી જામ રાવળે તેનો ઉપાય પૂછ્યો હતો.
દરમિયાન તેમણે કહ્યું કે અહીંથી થોડાક અંતરે અરણીટીંબા નામનુ ગામ આવેલું છે ત્યાં એક સોની રહેતો હતો. તેની ગાયો સહિતની આખા ગામની ગાયો ત્યાંનો એક ભરવાડ સાચવતો હતો. ભરવાડે પોતાની ગાયો ચરાવવવા એક છોકરો રાખ્યો હતો તેનું નામ ભગો ભરવાડ હતું પણ તેના મા-બાપ નાનપણમાં ગુજરી ગયા હતા. તે ભરવાડની ગાયો ચરાવી ગુજરાન ચલાવતો. સોનીની તાજી વિયાયેલી ગાય દૂધ આપતી બંધ થઇ ગઇ. તેણે કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે ગાયોનું ધણ જયારે ગામ તરફ પાછું ફરતુ હતુ. ત્યારે આ ગાય ધણમાંથી છૂટી પડીને રતન ટેકરી તરફ જતી. એક દિવસ ગોવાળ તેની પાછળ પાછળ ગયો. દરમિયાન પથ્થરોના ઢગલા પાસે ગાય ઉભી રહેતી અને તેના આંચળમાંથી દૂધની શેરો છૂટવા લાગતી હતી. આ જોઇને ગોવાળને આશ્ચર્ય થયું અને તેણે પથ્થરો હટાવ્યા તો નીચેથી શિવલિંગ પ્રગટ થયું હતું.
ગોવાળે આ વાત અરણીટીંબામા જઇ બ્રાહ્મણો અને સોનીને કરી હતી. આખુ ગામ ટેકરી પહોંચ્યું અને લોકો શિવલિંગની પૂજા કરવા લાગ્યા. તેમાથી કોઇકે આ ગોવાળને કહ્યુ કે આ સ્વયંભૂ મહાદેવ છે જે પોતાની ઇચ્છાથી પ્રગટ થયા છે. બીજા દિવસે ગોવાળે નાહી ધોહી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કમળ પૂજા કરવાનો વિચાર કરી મહાદેવ સમક્ષ બેસી પોતાના જ હાથે માથું કાપીને (માથારૂપી) ક્મળ ચડાવી પૂજન કર્યુ. આમ માથું કપાયા પછી પણ ધડે મહાદેવજીની પૂજા કરી હતી. જેનાથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમને તમારી માતાજીના પેટે અવતાર આપ્યો. આમ પોતાનો પૂર્વ જન્મ સાંભળીને જામ રાવળ ખુશ થઇ ગયા હતા.
બાદમાં પંજુ ભટ્ટે કહ્યું કે તે કપાયેલું માથું આ જગ્યાએ ખાડો હતો તેમાં આવ્યું અને તેમા વર્ષો જતાં એ ખોપરીમાં અરણીનું ઝાડ ઉગ્યું, હવે એ ઝાડનો સોટો હલે એટલે જામશ્રીના માથામાં દુખાવો થાય છે. પછી તેનો ઉપાય જણાવતા પંજુ ભટ્ટજીએ કહ્યું કે ખોપરીને કાંઇ અડચણ ના આવે તેમ આ ઝાડના સોટાને કાપી નાખો. આસપાસની જગ્યા ખોદાવીને ખોપરીને બ્રાહ્મણોના હાથે કઢાવી ને જોશીએ તે મશરૂમમાં વીંટીં એક કરંડીયામાં રૂના પોલ મેલી તેમા રખાવી તેનું રક્ષણ કરવાનું કહેતા જામ રાવળના માથામાં દુખાવો મટ્યો હતો. બાદમાં તેઓ જંગલમાં આવ્યા અને અરણીના ઝાડની જડ પર મહાદેવની સ્થાપના કરી હતી. આ મંદિરનું નામ જડેશ્વર રાખ્યું હતું.