Rain forecast: ખેડૂતો માટે હજુ કોઈ રાહતના સમાચાર નહીં, 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં પણ છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે

રાજ્યમાં હજુ કમોસમી વરસાદનો કહેર યથાવત રહેશે. એટલે કે માવઠાના મારથી હજુ પણ ખેડૂતોને રાહત મળશે નહીં. હવામાન વિભાગે આગાહી કરી હતી કે હજુ સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર બે જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો 10 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. યલો એલર્ટ એટલે કે છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસશે. યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાવેશ થાય છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં પણ છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. અરબસાગરમાં બનેલા ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ યથાવત રહેશે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
મોંથા વાવાઝોડાથી તબાહી
મોંથા વાવાઝોડું ત્રાટકતા આંધ્ર પ્રદેશમાં તારાજી જોવા મળી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું વિનાશક વાવાઝોડું મોંથા મંગળવારે રાતે આંધ્ર પ્રદેશના કાકિનાડા અને મછલીપટ્ટનમ દરિયા કનારા વચ્ચે પ્રતિ કલાક 100થી 110 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું હતું. લેન્ડફોલ પછી વાવાઝોડું ઓડિશા તરફ આગળ વધ્યું હતું. જેને લઈ પ્રશાસન એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસરને લઈ ઓડિશામાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઓડિશાનો ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ, મલકાનગિરી, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુર વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સમયે ભારે પવન સાથે અનરાધાર વરસાદ ખાબકતા આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે. 10થી વધુ જિલ્લામાં લોકોને ઘરની બહાર ન નીકળવા ચેતવણી અપાઈ હતી. આંધ્રમાં વાવાઝોડાના કારણે 52 ફ્લાઈટ રદ કરાઈ હતી. દક્ષિણ-મધ્ય રેલવેએ 97 ટ્રેન રદ કરાઈ હતી. જ્યારે પાંચ ટ્રેન ડાયવર્ટ કરી હતી. તો તરફ 75 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વિનાશક વાવાઝોડાના કારણે આંધ્રમાં 1 લાખ 38 હજાર હેક્ટરમાં કૃષિ પાકનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે.
ખેડૂતો માટે આજે સહાય પેકેજની કરાશે જાહેરાત
છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે આજે સહાય પેકેજની જાહેરાત કરાશે. આજે મળનારી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બાદ સહાય પેકેજની રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરાશે. રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાંખ્યા છે. મુખ્યમંત્રીએ પાંચ મંત્રીઓને માવઠાથી સૌથી પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેવા આદેશ કર્યો હતો. જેના પગલે કૃષિમંત્રી જીતુ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, ડૉ. પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ અને ડૉ. જયરામ ગામિતને અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં અધિકારીઓ સાથે બેઠક બાદ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી. ખેડૂતોના ખેતરના નિરીક્ષણ બાદ મંત્રીઓએ માવઠાએ કહેર મચાવ્યાનો સ્વીકાર કર્યો હતો. આટલું જ નહીં સૌરાષ્ટ્રના ધારાસભ્યોની રજૂઆતના પગલે મુખ્યમંત્રીએ સ્થળ તપાસ બાદ તાત્કાલિક રિપોર્ટ ફાઈલ કરવાના પણ આદેશ કર્યા હતાં. મુખ્યમંત્રીના આદેશ બાદ સ્થળ નિરીક્ષણ બાદ મંત્રીઓએ રિપોર્ટ પણ તે જ દિવસે ફાઈલ કરી દીધો હતો.





















