Gujarat Rain: બે વરસાદી સિસ્ટમ સક્રિય, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
હવામાન વિભાગ અનુસાર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં એક ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા 48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં એક ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે. 27 થી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર -કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 28 થી 30 સપ્ટેમ્બર માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં અપર એયર સાયક્લોનિક સકર્યુલેશન સર્જાયું છે. આ કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે .
માછીમારો માટે એલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના માછીમારો માટે એલર્ટ જાહેર કરાયું છે. 27 થી 29 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના તટીય વિસ્તારમાં બે દિવસ માટે એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં સરેરાશ 111.18 ટકા વરસાદ વરસ્યો
વરસાદની આગાહીની વચ્ચે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે. અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લામાંથી દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ વિદાય લીધી છે. આ વખતે ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ 111.18 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું સારુ રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 18 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.
વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન પલટાની શક્યતા છે.સામાન્યથી લઈ મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.




















