Gujarat Rain: ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, 14થી 20 ડિસેમ્બર માવઠું પડશે: અંબાલાલ
આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે આ આગાહી કરી છે. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.
અમદાવાદ: આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે આ આગાહી કરી છે. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં વાવાઝોડું ઉદભવશે. આમ તો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જશે. પરંતુ 14 થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, 12 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પણ પડશે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં નોંધાયું 9 ડિગ્રી લઘુતમ તાપમાન. અમદાવાદમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં ઉત્તર ઉત્તરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આ કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનના કારણે ઠંડી લાગે છે જ્યારે બપોર બાદ તાપમાનમાં ફેરાફાર થઇ રહ્યો છે. ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળે છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, વરસાદની કોઈ શક્યતા નથી અને રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 3થી 4 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્યાર બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઉંચું આવશે.
દેશમાં કેવું રહેશે હવામાન
દેશભરમાં વધી રહેલી ઠંડી બાદ હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે, જ્યારે દક્ષિણમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ આગામી દિવસોમાં પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા હિમવર્ષા અને વરસાદ થશે. ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાકમાં તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત, પૂર્વોત્તર ભારત, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ થઈ શકે છે.