પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપની બેઠકો 77થી ઘટીને 75 થઈ ગઈ, જાણો શું છે કારણ ?
ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ચાર લોકસભા સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્યની સંખ્યા બુધારે 77થી ઘટીને હવે 75 થઈ ગઈ છે. બે ધારાસભ્યોએ પાર્ટીના આદેશ પર વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. આ બન્ને સાંસદ છે. તેઓ વિધાનસભા ચૂંટણી જીત્યા અને ધારાસભ્ય બન્યા, પરંતુ તેમનું સાંસદ તરીકે રહેવું પાર્ટીને વધારે ફાયદાકારક લાગી રહ્યું છે.
કૂચ બિહારના સાંસદ નિશીથ પ્રમાણિક જિલ્લાની દિનહાટાથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા અને તેવી જ રીતે રાણાઘાટથી ભાજપના સાંસદ જગન્નાથ સરકાર નદિયા જિલ્લાના શાંતિપુરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. પરંતુ બન્નેએ બુધવારે વિધાનસભા અધ્યક્ષ બિમાન બેનર્જીને પોતાના રાજીનામા સોંપ્યા હતા.
પાર્ટીના નિર્ણયનું પાલન કર્યું
બંગાળ વિધાનસભામાં ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા પછી સાંસદ નિશિથ પ્રમાણિકે કહ્યું કે તેમણે માત્ર પક્ષના નેતૃત્વના આદેશોનું પાલન કર્યું છે. તે પાર્ટીએ જ નક્કી કર્યું હતું કે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે. અને પાર્ટીના જણાવ્યા અનુસાર તેમણે રાજીનામું આપ્યુ છે.
ભાજપના પાંચ સાંસદમાંથી બેને મળી હતી જીત
ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ચાર લોકસભા સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા પ્રમાણિક અને સરકાર ઉપરાંત પાર્ટીના લોકેટ ચેટર્જી અને બાબુલ સુપ્રિયોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે રાજ્યસભા સાંસદ સ્વપન દાસગુપ્તા પાંચમાં સાંસદ હતા. દાસગુપ્તાએ તારકેશ્વર સીટથી પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલા જ રાજીનામું આપી દીધું હતું, પરંતુ તેઓ વિધાનસભા ચૂંટણી હારી ગયા. લોકેટ ચેટર્જી અને બાબુલ સુપ્રિયો પણ હારી ગયા.
બીજી તરફ, ભાજપના સાંસદોએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ બંગાળની શાસક પક્ષ ટીએમસીએ ભાજપ ઉપર કટાક્ષ કર્યો છે. TMC ના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, “બંગાળની ચૂંટણીમાં ભાજપે તેના 4 લોકસભા સાંસદ અને રાજ્યસભાના એક સાંસદને મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી 3 ચૂંટણી હાર્યા હતા અને 2 જીત્યા હતા. આ વિજેતા સાંસદોનો પણ આજે રાજીનામું આપી દીધું છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીએ ચૂંટણીમાં શૂન્ય હાંસલ કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.