મિલકતની જાણકારી ના આપનાર 71 IPS અધિકારીઓ ફસાયા, થઈ શકે છે કાર્યવાહી..
કેન્દ્રનું ગૃહ વિભાગ પોતાના IPS અધિકારીઓની સંપત્તિઓની જાણકારી રાખે છે. જેના માટે IPS અધિકારીઓએ સમયસર પોતાની જાણકારી ગૃહ વિભાગમાં આપવાની હોય છે.
પટનાઃ કેન્દ્રનું ગૃહ વિભાગ પોતાના IPS અધિકારીઓની સંપત્તિઓની જાણકારી રાખે છે. જેના માટે IPS અધિકારીઓએ સમયસર પોતાની જાણકારી ગૃહ વિભાગમાં આપવાની હોય છે. પરંતુ બિહાર કેડરના 71 IPS અધિકારીઓએ નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કુલ મિલકતની માહિતી ગૃહ વિભાગને ના આપતાં તેમની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
બિહાર કેડરના 71 IPS અધિકારીઓ:
બિહાર કેડરના 71 IPS અધિકારીઓ પોતાની સંપત્તિની જાણકારી ગૃહ વિભાગને ના આપતાં ગૃહ વિભાગે એક્શન લીધું છે. સંપત્તિની જાણકારી આપવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી હતી પરંતુ આ 71 IPS અધિકારીઓએ વર્ષ 2021 માટે પોતાની કુલ મિલકતોની માહિતી નથી આપી. હવે આ અધિકારીઓને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. જો આ અધિકારીઓ માર્ચ મહિના સુધીમાં પોતાની સંપત્તિનો ડેટા ગૃહ વિભાગને નહી આપે તો તેમની સામે આરોપપત્ર તૈયાર કરીને કાર્યવાહી કરવામાં આવશે.
શું થશે કાર્યવાહીઃ
બિહારના ડીજીપી એસ. કે સિંઘલને ગૃહ વિભાગે પત્ર લખીને જવાબદારી આપી છે કે, બધા 71 IPS અધિકારીઓ પાસેથી ઝડપથી મિલકતોની માહિતી મેળવો. ગૃહ વિભાગના સચિવ કે. સેંથિલ કુમારે જણાવ્યું કે, આ IPS અધિકારીઓએ કેમ 28 ફેબ્રુઆરી સુધી મિલકતની જાણકારી ના આપી તેનું કારણ પણ અધિકારીઓએ જણાવવું પડશે. એક મહિના સુધીમાં જો તેઓ કારણ નહી આપે તો તેમના ઉપર આરોપપત્ર તૈયાર કરીને ખાતાકીય કાર્યવાહી શરુ કરવામાં આવશે.