Aligarh : વિચિત્ર અકસ્માત, ચાલુ ટ્રેને બારીમાંથી સળિયો મુસાફરની ગરદનની આરપાર નિકળી ગયો
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
Aligarh Train Passenger Death: ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક 35 વર્ષીય વ્યક્તિનું લોખંડનો સળિયો વાગતાં દર્દનાક મોત થયું હતું. આ ઘટના નીલાંચલ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન અલીગઢ નજીક બની હતી. ઘટનાને પ્રત્યક્ષ નજરે જોનારા લોકોનું કહેવું છે કે, જે સમયે આ અકસ્માત થયો તે સમયે રેલવે ટ્રેક પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કોઈએ બેદરકારીપૂર્વક લોખંડનો સળિયો ત્યાં મૂકી દીધો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને કારણે ઘણો સમય ટ્રેક પર ટ્રેનોની અવરજવર બંધ રહી હતી. જેના કારણે થોડો સમય રેલ્વે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગરદનની આરપાર થઈ ગયો સળિયો
પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટના અલીગઢ જિલ્લાના સોમના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઘટી હતી. નીલાંચલ એક્સપ્રેસ ટ્રેનના બીજા નંબરના કોચની સીટ નંબર 15 પર મુસાફરી કરી રહેલા એક મુસાફરના ગળાના ભાગે લોખંડનો સળિયો વાગ્યો હતો જે તેની આરપાસ નિકળી ગયો હતો. પરિણામે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક મુસાફર સુલતાનપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. માહિતી મળતાં જ આરપીએફ, સીઆરપીએફ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું.
મુસાફરનું સ્થળે જ મોત
આરપીએફ સીઓ કેપી સિંહે જણાવ્યું હતું કે, નિલાંચલ એક્સપ્રેસ લગભગ સાડા નવ વાગ્યે અલીગઢ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર આવી હતી. આગળના જનરલ કોચમાં એક મુસાફરને ઈજા થઈ હોવાની માહિતી મળી હતી. આ માહિતી પર આરપીએફ અને જીઆરપીની સાથે રેલવેના તમામ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. એન્જિન બાદ બીજા કોચની સીટ નંબર-15 પર એક મુસાફર મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની ડાબી બાજુથી એક સળિયો પ્રવેશ્યો હતો, જે તેની જમણી બાજુથી બહાર આવ્યો હતો. જેના કારણે મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના ક્યારે અને ક્યાં બની તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.